
દિવાળી પહેલા રેલવે કર્મચારીઓ માટે ખુશખબર રેલવે કર્મચારીઓ માટે ૭૮ દિવસના પ્રોડક્ટિવ લિંક્ટડેન્ટ બોનસને મંજૂરી આ બોનસનો લાભ ૧૧.૪૦ લાખથી વધુ રેલવે કર્મચારીઓને મળશે બોનસની ચુકવણી પાછળ સરકારને કુલ રૂ.૨,૦૦૯.૬૧ કરોડનો ખર્ચ થશે દિવાળી પહેલાં મોદી સરકારે રેલવેના કર્મચારીઓને મોટી ભેટ આપી છે. બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં રેલવે કર્મચારીઓ માટે ૭૮ દિવસના પ્રોડક્ટિવ લિંક્ટડેન્ટ બોનસને મંજૂરી આપવામાં આવી છે. આ બોનસનો લાભ ૧૧.૪૦ લાખથી વધુ રેલવે કર્મચારીઓને મળશે.
બોનસની ચુકવણી પાછળ સરકારને કુલ રૂ.૨,૦૦૯.૬૧ કરોડનો ખર્ચ થશે. દરેક પાત્ર રેલવે કર્મચારીને મહત્તમ રૂ.૧૭,૯૫૧નું બોનસ મળશે. ટ્રેક મેન્ટેનર્સ, લોકો પાઇલોટ્સ, ટ્રેન મેનેજર્સ (ગાર્ડ્સ), સ્ટેશન માસ્ટર્સ, ટેકનિશિયન્સ, પોઈન્ટ્સમેન અને અન્ય ગ્રુપ-સી કર્મચારીઓને આનો લાભ મળશે.
રેલવે કર્મચારીઓને દર વર્ષે દુર્ગા પૂજા અને દશેરાની રજાઓ પહેલાં PLB ચૂકવવામાં આવે છે. તે જ રીતે આ વર્ષે પણ સરકારે ૭૮ દિવસના બોનસની જાહેરાત કરવામાં આવી છે. રેલવેના કામગીરીના મૂલ્યાંકન અને કર્મચારીઓને પ્રોત્સાહિત કરવાના હેતુથી આ બોનસ આપવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો.
નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન, રેલવેએ ૧,૬૭૦ મિલિયન ટન માલસામાનના લોડિંગનો વિક્રમ સ્થાપ્યો હતો. આ સમયગાળા દરમિયાન, રેલવેએ અંદાજે ૭.૪૧ અબજ મુસાફરોનું પરિવહન કર્યું હતું.
PLB વર્તમાન ગણતરીમાં રૂ.૭,૦૦૦ની વેતન મર્યાદા અને ૭૮ દિવસની અવધિનો ઉપયોગ કરવામાં આવે છે, જેના પરિણામે નોન-ગેઝેટેડ રેલવે કર્મચારીઓને રૂ.૧૭,૯૫૧નું બોનસ મળે છે. ઇન્ડિયન રેલ્વેઝ ટેકનિકલ સુપરવાઇઝર્સ એસોસિએશન (IRTSA)એ માંગણી કરી હતી કે લેવલ-૨ અને તેથી ઉપરના સ્તરના કર્મચારીઓ માટે વેતન મર્યાદા વધારીને રૂ.૧૮,૦૦૦ કરવામાં આવે.
બીજાે ર્નિણય દેશના સોશિયલ સિક્યોરિટી નેટને ૨૦૩૧ સુધી વધારવાનો અને તેનો વિસ્તાર કરવાનો છે, જેના માટે ૫૩,૪૨૮ કરોડ રૂપિયાનું બજેટ રાખવામાં આવ્યું છે. ત્રીજા ર્નિણય હેઠળ દિવ્યાંગતા પેન્શનના નિયમોને સરળ બનાવવામાં આવ્યા છે. પહેલા ઓછામાં ઓછી ૮૦ ટકા દિવ્યાંગતા હોવા પર જ આ પેન્શન મળતું હતું, પરંતુ હવે આ સીમાને અડધી ઘટાડીને ૪૦ ટકા કરી દેવામાં આવી છે, એટલે કે હવે ૪૦ ટકા દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ પણ પેન્શન માટે હકદાર બનશે.
સરકારના દાવા મુજબ હવે દિવ્યાંગ વ્યક્તિઓને જન્મથી જ પેન્શન યોજના હેઠળ કવર કરવામાં આવશે. જેનો અર્થ એ છે કે દિવ્યાંગજનો માટે સામાજિક સુરક્ષાનો દાયરો બે રીતે વધશે, પહેલું, પેન્શન મેળવવાની પાત્રતાની સીમા (દિવ્યાંગતા ટકાવારી) ઓછી કરીને અને બીજું, તેના લાભાર્થીઓની સંખ્યામાં મોટો વધારો કરીને.




