
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની પુત્રી નૈમિષા ટ્રોલ તમે વિદેશમાં ભણો છો કારણ કે, દેશની એજ્યુકેશન સિસ્ટમ ફેઇલ છે ઉગ્ર વિરોધને કારણે નૈમિષાએ ઇન્સ્ટાગ્રામ ડીએક્ટિવેટ કર્યું દેશમાં એક તરફ શિક્ષણ વ્યવસ્થા અને પરીક્ષાઓને લઈને રાજકીય અને વિદ્યાર્થી આંદોલન ગરમાયું છે. તો બીજી તરફ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના પુત્રી નૈમિષા પ્રધાન સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલિંગનો શિકાર બન્યાં છે. ઉગ્ર વિરોધ અને ટ્રોલિંગના કારણે નૈમિષા પ્રધાને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિએક્ટિવેટ કરવું પડ્યું છે.
નૈમિષા પ્રધાને અમેરિકાના મેસાચ્યુસેટ્સ સ્થિત ટફ્ટ્સ યુનિવર્સિટીની ફ્લેચર સ્કૂલ ઓફ લો એન્ડ ડિપ્લોમસીમાંથી ૨૦૨૩માં માસ્ટર ઓફ લોઝનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. હાલ તે યુએસ-ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટરનરશિપ ફોરમ’માં સીનિયર એસોસિએટ તરીકે કાર્યરત છે.
હાલમાં દિલ્હીના જંતર-મંતર પર શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે ચાલી રહેલા વિદ્યાર્થી વિરોધ પ્રદર્શનો વચ્ચે સોશિયલ મીડિયા યુઝર્સે નૈમિષાની જૂની સોશિયલ મીડિયા પોસ્ટ્સ અને તેમની યુનિવર્સિટીના પેજ પર કમેન્ટ્સનો મારો ચલાવ્યો હતો. યુઝર્સનું કહેવું છે કે, દેશની શિક્ષણ વ્યવસ્થા કથળી રહી હોવાથી જ મંત્રીની પોતાની પુત્રી પણ અભ્યાસ માટે વિદેશ ગઈ છે.’ આ ટ્રોલિંગ વચ્ચે કેટલાક યુઝર્સે મંત્રીની પુત્રીનો બચાવ કરતા લખ્યું હતું કે, ‘રાજકીય મતભેદો અને જવાબદારીઓ માટે જવાબદાર વ્યક્તિને સવાલ કરો. જે વ્યક્તિ કોઈ નીતિ વિષયક ર્નિણયમાં સામેલ નથી, તેવા પરિવારના સભ્યોને રાજકીય વિવાદમાં ઢસડવા યોગ્ય નથી.’ બીજી તરફ, સમગ્ર વિરોધ પ્રદર્શન અંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર નિશાન સાધતા આરોપ લગાવ્યો કે, વિપક્ષ સંસદના ચોમાસું સત્ર દરમિયાન વિદ્યાર્થીઓનો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યો છે. સરકાર NEET સહિતના મુદ્દા પર સંસદમાં ચર્ચા કરવા ૧૦૦% તૈયાર છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે શૈક્ષણિક સુધારા માટે પણ કટિબદ્ધ છે.




