
ન્યૂઝીલેન્ડના નાગરિકની હાલત ગંભીર સોલુખુંબુના ફેરીચે હેલિપેડ પર રોટર બ્લેડ અથડાતાં ભયાનક અકસ્માત કાઠમંડુથી આશરે ૨૫૦ કિલોમીટર દૂર બનેલી આ ઘટનાએ નેપાળના હેલિકોપ્ટર પરિવહન અને પહાડી વિસ્તારોમાં હવાઈ સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા કર્યા છે.
નેપાળના પહાડી વિસ્તારમાં મંગળવારે સવારે એક ભયાનક હેલિકોપ્ટર અકસ્માત સર્જાયો છે. સોલુખુંબુ જિલ્લાના ફેરીચે હેલિપેડ પર લેન્ડિંગ દરમિયાન બે હેલિકોપ્ટર એકબીજા સાથે અથડાતાં એક ભારતીય નાગરિકનું કરુણ મોત થયું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે.
આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા બાદ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
કાઠમંડુથી આશરે ૨૫૦ કિલોમીટર દૂર બનેલી આ ઘટનાએ નેપાળના હેલિકોપ્ટર પરિવહન અને પહાડી વિસ્તારોમાં હવાઈ સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા કર્યા છે.
નેપાળની સિવિલ એવિએશન ઓથોરિટીના જણાવ્યા અનુસાર, ફિશટેલ એર અને ડાયનાસ્ટી એર દ્વારા સંચાલિત બે હેલિકોપ્ટર ફેરીચે હેલિપેડ પર લેન્ડિંગ માટે આગળ વધી રહ્યાં હતાં. આ દરમિયાન બંને હેલિકોપ્ટર એકબીજાની ખૂબ નજીક આવી ગયાં હતાં અને તેમની રોટર બ્લેડ એકબીજા સાથે અથડાઈ હતી.
ટક્કર એટલી ગંભીર હતી કે બંને હેલિકોપ્ટરમાં સવાર લોકો માટે જાેખમી પરિસ્થિતિ ઊભી થઈ હતી. ઘટનાના CCTV ફૂટેજમાં બંને હેલિકોપ્ટર લેન્ડિંગ દરમિયાન નજીક આવતાં અથડાતાં જાેવા મળે છે. જાેકે, અકસ્માત પાછળનાં ચોક્કસ કારણો જાણવા સત્તાવાર તપાસ ચાલી રહી છે.
સોલુખુંબુ જિલ્લા પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં જીવ ગુમાવનાર ભારતીય નાગરિકની ઓળખ ૪૭ વર્ષીય વસંત કુમાર બાલારા માડુ તરીકે થઈ છે.
બીજી તરફ, ૫૩ વર્ષીય શૈલેષ કિશન પટેલ, જેઓ ન્યૂઝીલેન્ડના નાગરિક છે, ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. તેમને તાત્કાલિક એરલિફ્ટ કરીને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.
નેપાળના પહાડી અને દુર્ગમ વિસ્તારોમાં હેલિકોપ્ટર પરિવહનનું અત્યંત મહત્ત્વ છે. ખાસ કરીને એવરેસ્ટ અને અન્ય પર્વતીય વિસ્તારોમાં પ્રવાસીઓ તથા પર્વતારોહકોને લઈ જવા, જરૂરી સામગ્રી પહોંચાડવા અને ઇમરજન્સી રેસ્ક્યૂ ઓપરેશન માટે હેલિકોપ્ટરનો વ્યાપક ઉપયોગ થાય છે.
ફેરીચે વિસ્તાર એવરેસ્ટ બેઝ કેમ્પ તરફ જતા પ્રવાસીઓ અને પર્વતારોહકો માટે મહત્ત્વપૂર્ણ સ્થળ છે. તેથી અહીં હેલિકોપ્ટર સેવાઓનું સંચાલન સતત થતું રહે છે.
આ અકસ્માત બાદ નેપાળની સિવિલ એવિએશન ઓથોરિટી અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. બંને હેલિકોપ્ટરની લેન્ડિંગ પ્રક્રિયા, પાઇલટ્સ વચ્ચેનું સંકલન અને હેલિપેડ પરની સુરક્ષા વ્યવસ્થાની તપાસ કરવામાં આવી રહી છે.
તપાસમાં અકસ્માતનું ચોક્કસ કારણ બહાર આવે ત્યારબાદ ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે જરૂરી સુરક્ષા પગલાં લેવામાં આવી શકે છે.




