
આકાશમાંથી નીચે પટકાયું વિમાન અમેરિકાના ફ્લોરિડામાં બિઝનેસ જેટ અગનગોળો બનીને તૂટી પડ્યું ઓસ્ટિનથી બહામાસ જઈ રહેલું ખાનગી વિમાન ક્રેસ્ટહેવન નજીક ક્રેશ; રહેણાક વિસ્તાર ખાલી કરાવાયો, ૬૦૦ લોકોનું સ્થળાંતર
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં એક ભયાનક વિમાન દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચાવી દીધો છે. પામ બીચ કાઉન્ટીના ક્રેસ્ટહેવન નજીક ઓસ્ટિનથી બહામાસ જઈ રહેલું ખાનગી બિઝનેસ જેટ તૂટી પડતાં તેમાં સવાર પાયલટ સહિત તમામ નવ લોકોનાં મોત થયાં હોવાના અહેવાલ છે. વિમાન રસ્તા પર જાેરદાર ધડાકા સાથે પટકાતાં આગનો વિશાળ ગોળો બની ગયું હતું. અકસ્માતનાં ભયાનક દૃશ્યોના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
પ્રાથમિક અહેવાલો અનુસાર, ખાનગી બિઝનેસ જેટ બહામાસ તરફ જઈ રહ્યું હતું ત્યારે ક્રેસ્ટહેવન નજીક અચાનક નિયંત્રણ ગુમાવીને નીચે પટકાયું હતું. વિમાન રસ્તા પર જાેરદાર ધડાકા સાથે અથડાતાં તેમાં ભીષણ આગ લાગી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટનાસ્થળે મોટો ખાડો પડી ગયો હતો અને આસપાસ કાળા ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા હતા.
ઘટનાના વીડિયોમાં વિમાન આકાશમાંથી નીચે આવતું અને રસ્તા પર પટકાયા બાદ આગના ગોળામાં ફેરવાતું જાેવા મળે છે. રસ્તાની બંને તરફ ઊભેલાં વાહનોમાં બેઠેલા લોકોએ આ ભયાનક દૃશ્યો પોતાના મોબાઇલમાં કેદ કર્યા હતા.
વિમાન રહેણાક વિસ્તારની નજીક તૂટી પડતાં સ્થાનિક તંત્રે તાત્કાલિક સુરક્ષાનાં પગલાં લીધાં હતાં. આગ ફેલાવાની અને અન્ય જાેખમ ઊભાં થવાની આશંકાને ધ્યાનમાં રાખીને આસપાસના વિસ્તારોમાંથી અંદાજે ૬૦૦ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
અકસાનાં સ્થળની આસપાસના મકાનો ખાલી કરાવવામાં આવ્યાં હતાં. ઘટનામાં આસપાસના કેટલાક લોકોને ઈજા થઈ હોવાના અહેવાલ પણ સામે આવ્યા છે. જાેકે, વિમાન રહેણાક મકાનો પર સીધું ન પડતાં વધુ મોટી જાનહાનિ ટળી હોવાનું માનવામાં આવે છે.
વિમાન દુર્ઘટનાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. ટેકનિકલ ખામી, એન્જિનમાં સમસ્યા અથવા અન્ય કોઈ કારણ જવાબદાર હતું કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ એજન્સીઓ વિમાનના અવશેષો, ફ્લાઇટ સંબંધિત વિગતો અને અકસ્માત પહેલાંની પરિસ્થિતિની તપાસ કરશે.
આ ઘટનાએ ખાનગી વિમાનોની સુરક્ષા અને હવાઈ મુસાફરી દરમિયાન લાગુ પડતા સલામતીના ધોરણો અંગે ફરી ચર્ચા જગાવી છે. જાેકે, તપાસ પૂર્ણ થયા પહેલાં અકસ્માતનું ચોક્કસ કારણ નક્કી કરવું યોગ્ય નહીં ગણાય.




