
UAE અને બહરીનને ન મળ્યું આમંત્રણ? ખામેનેઈની અંતિમ યાત્રામાં સાઉદી, ઓમાન અને કતાર ઉપસ્થિત જે દેશોએ અમેરિકા અને ઈઝરાયેલના હુમલાનું સમર્થન કર્યું હતું અથવા ઈરાન સામે પક્ષપાતી વલણ અપનાવ્યું હતું, તેમને આ સમારોહનું આમંત્રણ આપવામાં આવ્યું નથી : ઈરાન ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈના અંતિમ સંસ્કારમાં ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ ના દેશોની હાજરી અને ગેરહાજરીએ મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) ના રાજકારણમાં નવો ગરમાવો લાવી દીધો છે. છ સભ્યો ધરાવતા આ શક્તિશાળી સંગઠનમાંથી માત્ર ત્રણ દેશોએ જ પોતાના સત્તાવાર પ્રતિનિધિઓ તેહરાન મોકલ્યા હતા, જ્યારે બાકીના ત્રણ દેશો આ આખા આયોજનથી દૂર રહ્યા હતા.સાઉદી અરેબિયા, ઓમાન અને કતારે પોતાના ઉચ્ચ સ્તરીય ડેલિગેશન મોકલીને ખામેનેઈને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી. સાઉદી અરેબિયાએ તેના નાયબ વિદેશ મંત્રી વલીદ અલ-ખુરેજીના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળ મોકલ્યું હતું. થોડા મહિનાઓ પહેલા જ સાઉદીએ ઈરાનને ખાડી દેશો પર હુમલા રોકવાની અપીલ કરી હોવા છતાં, આ પગલાને બંને દેશો વચ્ચે સંવાદ જાળવી રાખવાના સંકેત તરીકે જાેવામાં આવે છે. ઓમાનના સુલ્તાન હૈથમ બિન તારિકના ર્નિદેશ પર સ્ટેટ કાઉન્સિલના અધ્યક્ષ શેખ અબ્દુલ મલિક અલ ખલીલી તેહરાન પહોંચ્યા હતા. ઓમાન લાંબા સમયથી ઈરાન અને પશ્ચિમી દેશો વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવતું આવ્યું છે. જ્યારે કતાર તરફથી શૂરા કાઉન્સિલના સ્પીકર હસન બિન અબ્દુલ્લા અલ ઘાનિમે ઈરાનના રાષ્ટ્રપતિ ડૉ. મસૂદ પેજેશકિયન સાથે મુલાકાત કરી શોક વ્યક્ત કર્યાે હતો.યુનાઈટેડ આરબ અમીરાત , બહરીન અને કુવેત તરફથી કોઈ સત્તાવાર પ્રતિનિધિ આ અંતિમ સંસ્કારમાં સામેલ થયો નહોતો. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બઘાઈએ આ અંગે આડકતરો ઈશારો કરતા જણાવ્યું હતું કે, જે દેશોએ અમેરિકા અને ઈઝરાયેલના હુમલાનું સમર્થન કર્યું હતું અથવા ઈરાન સામે પક્ષપાતી વલણ અપનાવ્યું હતું, તેમને આ સમારોહનું આમંત્રણ આપવામાં આવ્યું નથી. જાે કે, ઈરાને સત્તાવાર રીતે એવા દેશોની યાદી જાહેર કરી નથી જેમને આમંત્રણ નહોતું મળ્યું, પરંતુ આ ત્રણ દેશોની ગેરહાજરી ઘણું બધું કહી જાય છે.ઈરાને પશ્ચિમી અને મોટાભાગના યુરોપિયન દેશોને પણ આમાંથી બાકાત રાખ્યા છે. પ્રવક્તા બઘાઈના મતે, આ દેશોએ સંઘર્ષ દરમિયાન ઈરાનનો સાથ ન આપીને નૈતિક અધિકાર ગુમાવ્યો છે. જાે કે, પૂર્વ યુરોપના કેટલાક દેશો હાજર રહ્યા હતા. જેમાં જ્યોર્જિયાના રાષ્ટ્રપતિ મિખાઈલ કાવેલાશવિલી ખાસ અપવાદ રહ્યા હતા, કારણ કે તેમની સરકાર હાલમાં યુરોપિયન યુનિયનથી અંતર બનાવીને રશિયા અને ઈરાન સાથે સંબંધો મજબૂત કરી રહી છે.




