
કહ્યું- અમે વિરોધી છીએ, દુશ્મન નહીં સંસદમાં ગરમાગરમી વચ્ચે કિરેન રિજિજુએ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત કિરેન રિજિજુએ રાહુલ ગાંધી સાથેની ચર્ચામાં સરકારના કેટલાક મહત્વપૂર્ણ બિલો પર સહકાર માગ્યો છે સંસદનું ચોમાસુ સત્ર છેલ્લા લગભગ ત્રણ અઠવાડિયાથી સતત હોબાળાની વચ્ચે પસાર થઈ રહ્યું છે. લોકસભા અને રાજ્યસભા બંનેમાં વિપક્ષના વિરોધને કારણે કામકાજ વારંવાર ઠપ થઈ રહ્યું છે. પ્રશ્નકાળથી લઈને મહત્વના બિલ સુધીની કાર્યવાહી પ્રભાવિત થઈ છે. આ દરમિયાન સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વચ્ચે થયેલી બેઠકોને લઈને દિલ્હીના રાજકીય વર્તુળોમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે.
છેલ્લા કેટલાક અઠવાડિયાથી નીટ પેપર લીક મામલે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન, દિલ્હીમાં પ્રદર્શનકારીઓ પર પોલીસ દ્વારા કરાયેલો લાઠીચાર્જ તેમજ અયોધ્યાના રામ મંદિરમાં કથિત દાનચોરી જેવા મુદ્દાઓ પર વિપક્ષ કેન્દ્ર સરકારને ઘેરી રહ્યો છે. સતત હોબાળાને કારણે સંસદનું નિયમિત કામકાજ આગળ વધી શક્યું નથી. સત્રની શરૂઆતથી જ લોકસભામાં પ્રશ્નકાળ પૂર્ણ થઈ શક્યો નથી અને અનેક બિલ ચર્ચા વગર પસાર થયા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, કિરેન રિજિજુએ રાહુલ ગાંધી સાથેની ચર્ચામાં સરકારના કેટલાક મહત્વપૂર્ણ બિલો પર સહકાર માગ્યો છે. સરકાર મહિલા આરક્ષણ બિલ, પરિસીમન (ડિલિમિટેશન) સંબંધિત બંધારણીય સુધારા બિલ તેમજ વિદેશી અંશદાન નિયંત્રણ કાયદા (FCRA) સાથે સંબંધિત સુધારા પસાર કરાવવા માંગે છે. સરકારનું માનવું છે કે આવા મહત્વના મુદ્દાઓ પર વિપક્ષના સહયોગ વિના આગળ વધવું મુશ્કેલ બની શકે છે. ખાસ કરીને બંધારણીય સુધારા સાથે જાેડાયેલા બિલો પસાર કરવા માટે સંસદના બંને ગૃહોમાં બે-તૃતીયાંશ બહુમતી જરૂરી હોય છે. એનડીએ ગઠબંધન પાસે કેટલાક સાથી પક્ષોનું સમર્થન હોવા છતાં આ આંકડો એકલા હાથે મેળવવો સરળ નથી. તેથી સરકાર હવે હોબાળાને બદલે ચર્ચા અને સહમતિનો માર્ગ અપનાવવાનો પ્રયાસ કરી રહી હોવાનું માનવામાં આવે છે. બીજી તરફ, કોંગ્રેસ અને ‘ઇન્ડિયા’ ગઠબંધનનું વલણ હજુ પણ સ્પષ્ટ છે. રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષી નેતાઓએ કહ્યું છે કે સરકાર તેમની મુખ્ય માંગણીઓ સ્વીકારશે, ત્યાર બાદ જ સંસદનું કામકાજ સામાન્ય રીતે ચાલવા અંગે વિચાર થઈ શકશે. વિપક્ષે સરકાર સમક્ષ ત્રણ મુખ્ય માંગણીઓ મૂકી છે. તેમાં દિલ્હીમાં વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન થયેલી પોલીસ કાર્યવાહી અંગે ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં નિવેદન આપવું, અયોધ્યાના રામ મંદિરના દાન ચોરી સંબંધિત આરોપો પર ખુલ્લી ચર્ચા કરવી અને હાલ પ્રસ્તાવિત પરિસીમનની પ્રક્રિયા અંગે ઉઠાવવામાં આવેલા વાંધાઓનો યોગ્ય જવાબ આપવાનો સમાવેશ થાય છે.
કિરેન રિજિજુ સાથે ફોન પર અને સંસદમાં થયેલી લાંબી ચર્ચા બાદ રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યું છે કે, તેઓ આ મુદ્દે એકલા કોઈ ર્નિણય લેશે નહીં. તેમણે જણાવ્યું કે સરકારના પ્રસ્તાવ અંગે પહેલાં ‘ઇન્ડિયા’ ગઠબંધનના તમામ સાથી પક્ષો સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે અને સર્વસંમતિ બાદ જ સરકારને સત્તાવાર જવાબ આપવામાં આવશે.




