
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
મુંબઈમાં વડાપાઉં વેચનારાએ એક કસ્ટમરને ન્યુઝ પેપરમાં વડાપાઉં પેક કરીને આપ્યા. એ બદલ BMC અને FSSAI ની વેસ્ટ ઝોન ટીમે સંયુક્ત કાર્યવાહી કરી હતી. આ ઘટના બાદ આદેશ બહાર પાડી લારી, ઠેલા, ક્લાઉડ કિચન, કેટરર્સ અને ફેરિયાઓને ન્યુઝ પેપરમાં ફૂડ આઈટમ પેક ન કરવાનું જણાવવામાં આવ્યું છે. એને કારણે હવેથી ભારતભરમાં ન્યુઝ પેપરમાં ફૂડ આઈટમ પેક કરીને આપવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ બાબતે ગંભીર નોંધ લઈને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડસ ઓથરીટી ઓફ ઇન્ડિયા(FSSAI) એ આ આદેશ બહાર પાડયો છે. અને આ આદેશનું પાલન ન કરનારા ને જેલવાસ ભોગવવો પડી શકે એવી જોગવાઈ છે. ન્યુઝ પેપરમાં વપરાતી શાહી એટલે કે ઇન્ક ફૂડ આઈટમ્સમાં ભળતા જ સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે એને કારણે આ આદેશ
બહાર પાડવામાં આવ્યો છે.
આવા ફૂડ આઈટમ્સ તમને બીમાર પાડવા સાથે કેન્સરનો ભોગ પણ બનાવી શકે છે. વડાપાઉં, સમોસા, પકોડા જેવા તેલયુક્ત પદાર્થો ન્યુઝપેપરમાં બાંધીને અપાય છે અને ગરમ હોવાથી ન્યુઝ પેપરમાં લાગેલી શાહીને એ શોષી લે છે જેને કારણે લોકોની હેલ્થને નુકસાન થઈ શકે છે.
ન્યુઝ પેપરમાં વપરાતી શાહીમાં અનેક રસાયણો અને સીસા જેવી ધાતુનો ઉપયોગ થાય છે. સીસુ એટલે કે લેડ કેન્સરકારક છે અને એ લોકોના શરીરમાં જતા ગંભીર પરિણામ ભોગવવા પડી શકતા હોવાથી મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) ના નવા કમિશનર તુકારામ મુંઢેએ ન્યુઝ પેપરમાં ફૂડ આઈટમ પેક કરવા પર કાર્યવાહી કરી હતી જેને પગલે હવે FSSAI એ પણ ભારતભરમાં ન્યુઝ પેપરોમાં ખાવાની વસ્તુઓ આપવા પર પ્રતિબંધ મૂક્યો છે.



