
રાજકારણ સાથે બિઝનેસમાં પણ જાણીતા હતા ભાજપના પૂર્વ સાંસદ આર.કે.સિન્હાનું નિધન તેઓ SIS ગ્રુપના સ્થાપક અને ચેરમેન હતા, જે ૧૯૭૪માં પટનાથી શરૂ થઈને આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તર્યું ભાજપના સંસ્થાપક સભ્યોમાં સામેલ રહેલા પૂર્વ રાજ્યસભા સાંસદ અને બિઝનેસમેન આર. કે. સિન્હાનું નિધન થઈ ગયું છે. તેમણે નોઈડા સ્થિત પોતાના આવાસ પર અંતિમ શ્વાસ લીધા છે. તેમના પાર્થિવ દેહને દિલ્હીથી પટના લઈ જવામાં આવશે. આર. કે. સિન્હા રાજકારણની સાથે-સાથે બિઝનેસની દુનિયામાં પણ જાણીતા હતા. તેઓ સિક્યોરિટી એન્ડ ઈન્ટેલિજન્સ સર્વિસિસ (ઈન્ડિયા) લિમિટેડ એટલે કે SIS ગ્રુપના સંસ્થાપક અને ચેરમેન હતા.
આર. કે. સિન્હાએ વર્ષ ૧૯૭૪માં પટનામાં SIS નો પાયો નાખ્યો હતો. તેમની આગેવાનીમાં કંપનીએ સુરક્ષા અને માનવ સંસાધન સેવાઓના ક્ષેત્રમાં દેશ-વિદેશમાં પોતાનો બિઝનેસ વધાર્યો. આજે SIS ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા સહિત અનેક દેશોમાં સેવાઓ આપી રહી છે.
કંપનીને એશિયા-પ્રશાંત ક્ષેત્રના મેનપાવર સિક્યોરિટી બિઝનેસની પ્રમુખ કંપનીઓમાં ગણવામાં આવે છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે તેની સાથે ૩૬ હજારથી વધુ કાયમી કર્મચારીઓ જાેડાયેલા છે અને તેના ૩ હજારથી વધુ કોર્પોરેટ ગ્રાહકો છે.
આર. કે. સિન્હા ભાજપના સંસ્થાપક સભ્યોમાં સામેલ હતા. તેમણે પાર્ટી સાથે લાંબા સમય સુધી કામ કર્યું અને રાજ્યસભા સાંસદ તરીકે પણ પોતાની જવાબદારી નિભાવી. રાજકારણ ઉપરાંત તેમણે ઉદ્યોગ સાહસિકતાના ક્ષેત્રમાં પણ પોતાની અલગ ઓળખ બનાવી. પટનાથી શરૂ થયેલી તેમની સુરક્ષા સેવાઓનો બિઝનેસ આગળ ચાલીને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચ્યો.
જાન્યુઆરી ૨૦૨૫માં પણ એક બેઠક પછી ઘર પરત ફરતી વખતે આર. કે. સિન્હાને અચાનક બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. ત્યારબાદ તેમને ડૉક્ટરોની દેખરેખમાં રાખવામાં આવ્યા હતા અને લાંબા સમય સુધી તેમની સારવાર ચાલી હતી. ૨૦૨૫માં ફોર્બ્સના હવાલેથી તેમની સંપત્તિ લગભગ ૧ અબજ ડૉલર જણાવવામાં આવી હતી. તેમના નિધનના સમાચારથી રાજકીય અને બિઝનેસ જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.




