
શિવસેનામાં ફરી ભંગાણ? પક્ષ પલટાની અફવાઓ વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ બોલાવી સાંસદોની બેઠક માતોશ્રી ખાતે યોજવામાં આવેલી મહત્વની બેઠકમાં ૪ સાંસદો રૂબરૂ અને ૫ ઓનલાઈન જાેડાયા મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય ઉથલપાથલ તેજ બની છે. શિવસેના (UBT) ના કેટલાક સાંસદો પક્ષ પલટો કરીને અન્ય પાર્ટીમાં જાેડાઈ શકે તેવી જાેરદાર અટકળો ચાલી રહી છે. આ અફવાઓને શાંત કરવા અને પોતાની તાકાત બતાવવા માટે રવિવારે (૧૪ જૂન) ઉદ્ધવ ઠાકરેએ પોતાના નિવાસસ્થાન માતોશ્રી ખાતે સાંસદોની એક તાકીદની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ભવિષ્યની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. પાર્ટીના વરિષ્ઠ નેતા સંજય રાઉતે આ તમામ અફવાઓનું ખંડન કરતા ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા અને દાવો કર્યો હતો કે તેમના ૯ સાંસદો આ બેઠકમાં સીધા અથવા ઓનલાઈન જાેડાયા હતા.
ભાજપના કથિત ઓપરેશન ટાઈગર અંગે પૂછવામાં આવતા સંજય રાઉતે રોકડું પરખાવતા કહ્યું હતું કે, “આપણે પોતે જ વાઘ છીએ, તો પછી ઓપરેશન ટાઈગર કેવું? અમે તો ઓપરેશન વુલ્ફ (વરુ) ચલાવીશું.” તેમણે સ્પષ્ટતા કરી કે બેઠકમાં તેમના ૪ સાંસદો રૂબરૂ અને ૫ સાંસદો વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી હાજર રહ્યા હતા. રાઉતે સાંસદો પક્ષ છોડવાના છે તેવી ખોટી અફવાઓ ફેલાવનારાઓને પણ ચેતવણી આપી હતી અને કહ્યું કે અમારી પાર્ટી એકદમ એકજૂથ છે.
શિવસેના (UBT) ની આ મહત્વની બેઠકમાં નીચે મુજબના સાંસદોએ હાજરી આપી હતી:
રૂબરૂ પહોંચેલા સાંસદો: અરવિંદ સાવંત (મુંબઈ દક્ષિણ), અનિલ દેસાઈ (મુંબઈ દક્ષિણ મધ્ય), રાજાભાઉ વાઝે (નાસિક) અને સંજય દિના પાટીલ (મુંબઈ ઉત્તર પૂર્વ).
ઓનલાઈન જાેડાયેલા સાંસદો: સંજય દેશમુખ (યવતમાલ-વાશિમ) અને નાગેશ પાટીલ અષ્ટિકર (હિંગોલી) ઓનલાઈન કે ફોન દ્વારા ઉદ્ધવ ઠાકરેના સતત સંપર્કમાં રહ્યા હતા.
મુંબઈ ઉત્તર પૂર્વના સાંસદ સંજય દિના પાટીલ આ બેઠક પૂર્ણ થયા બાદ મોડા પહોંચ્યા હતા. તેમણે પોતાની સ્પષ્ટતા આપતા મીડિયાને જણાવ્યું હતું કે, “મારા કાફલાની ગાડીનો અકસ્માત થવાને કારણે હું મોડો પડ્યો છું. દરેક પરિવારમાં નાની-મોટી ફરિયાદો હોય છે, પણ મારે કોઈ જ ફરિયાદ નથી. હું કોઈના દબાણમાં નથી. શું કોઈ આપણા પર આ રીતે દબાણ કરી શકે? શું અમે કોઈ લલ્લુ-પંજુ છીએ? મારી પાસે કોઈ બીજી ઓફર નથી, હું શિવસેનામાં જ છું, તો પછી તમે લોકો મને બીજે ક્યાં મોકલવા માંગો છો?”
આ તાકીદની બેઠકમાં અમુક સાંસદો નહોતા પહોંચી શક્યા:
ધારાશિવના સાંસદ ઓમરાજે નિમ્બાલકર ગેરહાજર હતા, પરંતુ તેમણે અગાઉથી જ જાણ કરી દીધી હતી કે તેમના પુત્રને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હોવાથી તેઓ આવી શકશે નહીં.
આ ઉપરાંત પરભણીના સાંસદ સંજય જાધવ અને શિરડીના સાંસદ ભાઈસાહેબ વાકચૌરે પણ બેઠકમાં આવી શક્યા નહોતા. જાેકે, સંજય જાધવ આગામી ૨ દિવસમાં માતોશ્રીની મુલાકાત લેવાના હોવાની માહિતી મળી છે.



