
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 23 મે, 2026 ના રોજ સવારે 11.00 કલાકે વીડિયો કોન્ફરસિંગ મારફતે રેલવે સહિત વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં નવી નિમણૂંક મેળવનારા 51,000 થી વધારે યુવાનોને નિમણૂંક પત્રનું વિતરણ કરશે. આ અવસર પર તેઓ નિમણૂંક મેળવનારા લોકોને સંબોધિત પણ કરશે.
આ 19મો રોજગાર મેળો દેશભરના 47 સ્થળોએ આયોજિત કરવામાં આવશે. આ નિમણૂંકો સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં થઈ રહી છે. દેશભરથી પંસદ કરાયેલા નવા કર્મચારીઓ રેલવે મંત્રાલય, સંદેશાવ્યવહાર મંત્રાલય (પોસ્ટ વિભાગ), રક્ષા મંત્રાલય, નાણાં મંત્રાલય સહિત અન્ય વિભાગો અને મંત્રાલયોમાં સામેલ થશે.
રોજગાર મેળો, રોજગાર સૃજનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની વડાપ્રધાનની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવાની દિશામાં એક પહેલ છે. રોજગાર મેળા યુવાનોને સશક્ત બનાવવા અને રાષ્ટ્ર નિર્માણમાં તેમની ભાગીદારી માટે સાર્થક અવસર પૂરો પાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે. દેશભરમાં રોજગાર મેળાઓ મારફતે અત્યાર સુધીમાં 11.50 લાખથી વધુ નિમણૂંક પત્ર આપી દેવામાં આવ્યા છે.
આ અવસર પર પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાં પણ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ રોજગાર મેળા હેઠળ કુલ 115 નવા પસંદ કરાયેલા ઉમેદવારોને નિમણૂંક પત્ર વહેંચવામાં આવશે જેમાં રેલવેના 66, નાણાંકિય સેવા વિભાગના 39, પોસ્ટ ઓફિસના 09, રક્ષા મંત્રાલયના 01 ઉમેદવારનો સમાવેશ થાય છે.
અમદાવાદમાં આયોજિત રોજગાર મેળા કાર્યક્રમમાં માનનીય કેન્દ્રીય રાજ્યમંત્રી યુવા બાબતો અને રમતગમત મંત્રાલય શ્રીમતી રક્ષા નિખિલ ખડસે, માનનીય રાજ્યમંત્રી શહેરી વિકાસ અને શહેરી આવાસ, ગુજરાત શ્રીમતી દર્શનાબેન વાઘેલા, માનનીય સંસદ સભ્ય શ્રી દિનેશભાઈ મકવાણા, માનનીય સંસદ સભ્ય શ્રી હસમુખભાઈ પટેલ, માનનીય સંસદ સભ્ય (રાજ્યસભા) શ્રી નરહરિ અમીન, માનનીય ધારાસભ્ય શ્રી દિનેશસિંહ કુશવાહ સહિત અન્ય જાણીતા મહેમાનો સમારંભમાં ઉપસ્થિત રહેશે.



