
પુતિન-ઝેલેન્સ્કીને ફોન કરી આપી મોટી ઓફર રશિયા-યુક્રેન યુદ્ધમાં ફરી યુએસ પ્રમુખ ટ્રમ્પની એન્ટ્રી ટ્રમ્પે રશિયાના વ્લાદિમીર પુતિન અને યુક્રેનના ઝેલેન્સકી સાથે ફોન પર ૯૦ મિનિટથી વધુ વાતચીત કરી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી સાથે ફોન પર લાંબી વાતચીત કરી છે. આ વાતચીત તુર્કીમાં યોજાનારી નાટો શિખર સંમેલન (NATO Summit)ના બરાબર પહેલા થઈ છે. અમેરિકાની ૨૫૦મી વર્ષગાંઠના અવસરે થયેલી આ વાતચીતમાં ટ્રમ્પે, યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટે મદદ કરવાની વાત કરી છે, પરંતુ પુતિને આનો સીધો જવાબ આપી દીધો છે.
ક્રેમલિને જણાવ્યું છે કે, ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે વ્લાદિમીર પુતિન સાથે આશરે ૯૦ મિનિટ એટલે કે, દોઢ કલાક સુધી વાત કરી હતી. આ વાતચીતને ખૂબ જ હકારાત્મક અને વ્યવહારિક માનવામાં આવી રહી છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે, અમેરિકા આ સંકટનો વહેલી તકે ઉકેલ લાવવા માટે તૈયાર છે, અને તેઓ લડાઈ રોકવા માટે કામ કરી રહ્યા છે. વાતચીત દરમિયાન પુતિને ટ્રમ્પને યુદ્ધના મેદાનની સ્થિતિ જણાવતા દાવો કર્યો કે, રશિયન સેના સતત આગળ વધી રહી છે, અને નવા વિસ્તારો પર કબજાે કરી રહી છે. રશિયાએ એ પણ કહ્યું કે, તે રાજદ્વારી ઉકેલ તો ઈચ્છે છે, પરંતુ પોતાની શરતો પર.
આ વાતચીત દરમિયાન રશિયાએ યુક્રેનના એ દાવાને ફગાવી દીધો હતો, જેમાં કોન્સ્ટેન્ટિનિવ્કા શહેર પર કબજાની વાત કહેવામાં આવી હતી. વ્યૂહાત્મક રીતે આ શહેર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. રશિયાનું કહેવું છે કે, તેણે આ શહેરને પોતાના નિયંત્રણમાં લઈ લીધું છે, જ્યારે યુક્રેનનો દાવો છે કે, આ શહેર હજુ પણ તેની પાસે છે.
રશિયાની શરત છે કે, યુદ્ધ ખતમ કરવા માટે તેને સમગ્ર ડોનબાસ ક્ષેત્ર પર નિયંત્રણ જાેઈએ, જેને યુક્રેન સતત ફગાવી રહ્યું છે. ટ્રમ્પે પુતિનને જણાવ્યું કે, તેમના દૂત સ્ટીવ વિટકૉફ અને જેરેડ કુશ્નર આ ડીલ માટે કામ ચાલુ રાખશે, અને તેઓ ફરીથી મોસ્કોની મુલાકાત પણ લઈ શકે છે. પુતિને ટ્રમ્પને મોસ્કો આવવાનું આમંત્રણ પણ યાદ અપાવ્યું હતું.
પુતિન સાથે વાત કર્યા બાદ ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી સાથે પણ ફોન પર ચર્ચા કરી હતી. ઝેલેન્સકીએ આ વાતચીતને ખૂબ જ સારી ગણાવી હતી. તેમણે કહ્યું કે, તેમણે ટ્રમ્પ સાથે ૧૨૦૦ કિલોમીટર લાંબી ફ્રન્ટ લાઈનની સ્થિતિ પર વાત કરી છે.
ઝેલેન્સકીનું માનવું છે કે, આ યુદ્ધને ખતમ કરવાની સંભાવના છે, અને તેમાં અમેરિકાનો દ્રઢ સંકલ્પ સૌથી મહત્વની ભૂમિકા ભજવશે. ટ્રમ્પ અને ઝેલેન્સકી એ વાત પર સહમત થયા છે કે, તેઓ આગામી સપ્તાહે તુર્કીમાં યોજાનારા નાટો શિખર સંમેલન દરમિયાન આ ચર્ચાને આગળ વધારશે, જ્યાં દુનિયાના ૩૨ દેશોના નેતાઓ એકઠા થઈ રહ્યા છે.




