
સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો મોંઘવારીની માર વચ્ચે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છેલ્લા ૧૫ દિવસમાં સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ૧૬૫થી ૧૫૫ રૂપિયાનો વધારો ઝીંકાયો તહેવારોની સીઝન નજીક આવી રહી છે ત્યારે જ સામાન્ય જનતાના ખિસ્સા પર મોંઘવારીનો મોટો માર પડ્યો છે.
સૌરાષ્ટ્રના મુખ્ય માર્કેટ ગણાતા રાજકોટમાં ખાદ્યતેલના ભાવમાં વધારાનો સિલસિલો સતત યથાવત રહ્યો છે. ગૃહિણીઓનું બજેટ ખોરવતા આ ભાવવધારામાં આજે ફરી એકવાર સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો છે.
બજારના સૂત્રોના જણાવ્યા અનુસાર, આજે ફરી એકવાર તેલના ડબ્બાના ભાવમાં મોટો ઉછાળો જાેવા મળ્યો છે, સીંગતેલના ડબ્બાના ભાવમાં રૂપિયા ૩૦નો વધારો નોંધાયો છે. જ્યારે કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં રૂપિયા ૪૦નો વધારો થયો છે.
આ કોઈ એક દિવસનો આંચકો નથી, પરંતુ છેલ્લા અડધા મહિનાથી ખાદ્યતેલના ભાવ સતત વધી રહ્યા છે.
છેલ્લા માત્ર ૧૫ દિવસના ગાળામાં જ તેલના ભાવમાં થયેલો કુલ વધારો આંચકો આપનારો છે. છેલ્લા ૧૫ દિવસમાં સીંગતેલના ડબ્બે રૂપિયા ૧૬૫ વધી ગયા છે. કપાસિયા તેલના ડબ્બે છેલ્લા ૧૫ દિવસમાં રૂપિયા ૧૫૫ નો તોતિંગ વધારો થયો છે.
ખાદ્યતેલના વેપારીઓ અને બજારના વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, આ વર્ષે મગફળી અને કપાસના વાવેતરમાં મોટો ઘટાડો જાેવા મળ્યો છે. ઓછું વાવેતર થવાને કારણે બજારમાં કાચા માલની આવક મર્યાદિત છે, જેને પગલે ડિમાન્ડ સામે સપ્લાય ઓછી હોવાથી તેલના ભાવ સતત વધી રહ્યા છે.
બજારના નિષ્ણાતોનું માનવું છે કે જાે આવક સ્થિર નહીં થાય, તો આગામી દિવસોમાં ખાદ્યતેલના ભાવ હજુ પણ વધી શકે છે. આ આશંકાના કારણે મધ્યમવર્ગીય પરિવારોમાં ચિંતાનો માહોલ જાેવા મળી રહ્યો છે.




