
GST ઘટાડા બાદ કંપનીઓનો જવાબ જાણી લો ૫, ૧૦ રૂપિયાવાળા બિસ્કિટ, વેફરના પડીકાના ભાવ ઘટશે નહીં ૫,૧૦,૨૦ રૂપિયાની ચીપ્સ, કુરકરે, બિસ્કિટ, નમકીન, સાબુ અને ટૂથપેસ્ટના ભાવમાં કોઈ ફેરફાર થશે નહીં.નેક્સ્ટ જનરેશન જીએસટી હેઠળ કરવામાં આવેલા સુધારાનો લાભ ૨૨ સપ્ટેમ્બરથી મળવાનો છે. કંપનીઓ પણ ભાવમાં ઘટાડાની જાહેરાત કરી રહી છે. નવા સુધારેલા ભાવ સાથે નવો સ્ટોક માર્કેટમાં પહોંચવા લાગ્યો છે. આ સુધારા વચ્ચે એફએમસીજી કંપનીઓએ મહત્ત્વની જાણકારી આપી છે કે, ૫,૧૦,૨૦ રૂપિયાની ચીપ્સ, કુરકરે, બિસ્કિટ, નમકીન, સાબુ અને ટૂથપેસ્ટના ભાવમાં કોઈ ફેરફાર થશે નહીં.
એફએમસીજી કંપનીઓના અધિકારીઓએ જણાવ્યું હતું કે, રૂ. પાંચની કિંમતના બિસ્કિટ-નાસ્તાના પડીકા, રૂ. ૧૦નો સાબુ તેમજ રૂ. ૨૦ની ટૂથપેસ્ટ જેવી નાની પેકેજ્ડ આઈટમ્સના ભાવમાં કોઈ ફેરફાર થશે નહીં. આ નાના પેકેટ પર જીએસટી ઘટાડાનો લાભ મળશે નહીં. મીડિયા રિપોર્ટ અનુસાર કંપનીઓએ જણાવ્યું હતું કે, મોટાભાગના ભારતીય ખરીદદાર નિશ્ચિત કિંમતની ખરીદી કરવા ટેવાયેલા છે. જેમાં રૂ. ૨૦ના પેકેટનો ભાવ ઘટાડી ૧૮ કરવામાં આવે અથવા તો રૂ. ૧૦ની કિંમતના પેકેટનો ભાવ રૂ. ૯ કરવામાં આવે તો ગ્રાહક ભ્રમિત થઈ જશે. તેમજ ચૂકવણીમાં પણ અસુવિધા ઉભી થશે.
કંપનીઓએ IBICને જણાવ્યું છે કે, તે કિંમતો યથાવત રાખશે, પરંતુ પ્રોડક્ટના પ્રમાણમાં વધારો કરશે. કિંમત જૂની જ રહેશે, પણ પેકેટમાં મળતી પ્રોડક્ટ્સનું વજન વધારી દેવામાં આવશે. આ રીતે ગ્રાહકો સુધી જીએસટી ઘટાડાનો લાભ પહોંચાડવામાં આવશે.
બીકાજી ફૂડ્સના સીએફઓ ઋષભ જૈને જણાવ્યું હતું કે, કંપની પોતાના નાના પેકેટ (ઈમ્પલ્સ પેક્સ)નું વજન વધારશે, જેથી ખરીદદારોને વધુ લાભ મળી શકે. ડાબરના સીઈઓ મોહિત મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, કંપની નિશ્ચિત રૂપે ટેક્સ કાપનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડશે. ટેક્સ ઘટતાં રોજિંદા પ્રોડક્ટ્સની માગ વધશે. ઉલ્લેખનીય છે, નાણા મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ અંગે દિશાનિર્દેશ જાહેર કરવા પર વિચારણા થઈ રહી છે. જેથી સુનિશ્ચિત થઈ શકે, કંપનીઓ તેનો સંપૂર્ણપણે લાભ ગ્રાહકોને આપે.




