
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
આપણે રૂપાળા સુત્રો દ્વારા મહિલાઓની સુરક્ષાઓની અખબારોની જાહેરાતોમાં માત્ર વાતો જ કરીએ ત્યારે દેશની વાસ્તવિકતા કંઈક અલગ જ ચિત્ર બતાવી રહી છે. હાલની જો વાસ્તવિક પરિસ્થિતિ જોવા જઈએ તો રોજે રોજ મહિલાઓ ઉપર બળાત્કારો, છેડતી, મહિલાઓને સળગાવી દેવી, માર મારવો અને એમના વિશે ભદ્દા મેસેજ મુકવા વિગેરે વિગેરે સામાન્ય બની રહ્યા છે. ત્યારે એટલું જ નહીં પરંતુ આવી ગંભીર ઘટના પછી પણ પોલીસ જ્યારે મહિલાઓના કેસમાં ઉદાસીન અને નિષ્ક્રિય રહેતી હોય ત્યારે મહિલાઓને મરવા મજબુર થવું પડતું હોય છે. અહીં વાત છે રાજસ્થાનના જોધપુરના એક ગામમાં ૮ નરાધમોના કથિત ગેંગરેપનો ભોગ બનેલી એક મહિલાએ ગેંગરેપને કારણે આત્મહત્યા કરીને મોતને વ્હાલું કર્યું હતું. અને આ મહિલાના મૃત્યુ બાદ બે મહિના પછી શુક્રવારે તેની બહેનને પણ આત્મહત્યા કરવાનું પગલું ભરવાની ફરજ પડી હતી.
આ ગંભીર ઘટના અંગે મરનાર બંને બહેનોના પરિવારે આરોપ લગાવ્યો હતો કે, પોલીસની નિષ્ક્રિયતાને કારણે તેમણે બીજી પુત્રી ગુમાવવાનો વારો આવ્યો છે. આ બાબતે ૧૧ એપ્રિલના રોજ દાખલ કરાયેલી પોલીસ ફરિયાદમાં મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, મહિપાલ નામના એક સેવા કેન્દ્ર સંચાલક દ્વારા તેની મોટી બહેન પર અન્યાય કરી ગુપ્ત રીતે તેના અશ્લીલ વિડીયો બનાવ્યા હતા. ફરિયાદમાં કુલ આઠ આરોપીઓના નામ આપવામાં આવ્યા હતા. જેમણે વર્ષો સુધી ધમકીઓ આપીને મોટી બહેન પર કથિત રીતે ગેંગરેપ કર્યો હતો. જ્યારે NDTV ના અહેવાલ મુજબ બીજી બહેને ફરિયાદમાં કહ્યું હતું કે તેઓએ માત્ર તેની બહેન પર જાતીય હુમલો જ નહીં પરંતુ તેની બહેન પાસેથી પૈસા પણ પડાવી લીધા હતા. આથી વ્યથિત થઈને તેણીએ ૨૦મી માર્ચે આત્મહત્યા કરીને મૃત્યુ પામી. ફરિયાદના આધારે FIR નોંધવામાં આવી હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હતી.
અને ત્યારબાદ આરોપીઓએ નાની બહેનને નિશાન બનાવવાનું શરૂ કર્યું પોલીસ દ્વારા રક્ષણ કે કોઈ કાર્યવાહી ન મળતા નાની બહેન શુક્રવારે ટાંકી ઉપર ચઢી ગઈ અને ઝેર પી લીધું. ઘટના બાદ જોધપુર પોલીસે જણાવ્યું હતું કે, મહિપાલ અને અન્ય એક આરોપીની અટકાયત કરવામાં આવી છે.



