
મંદિરના ફંડમાંથી મેરેજ હોલ ન બનાવી શકાય કેમ કે ત્યાં અશ્લીલ ડાન્સ.સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારના મેરેજ હોલ બનાવવા માટે મંદિરના ભંડોળનો ઉપયોગ કરવાના ર્નિણય સામે સખત વાંધો ઉઠાવ્યો.સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારના મેરેજ હોલ બનાવવા માટે મંદિરના ભંડોળનો ઉપયોગ કરવાના ર્નિણય સામે સખત વાંધો ઉઠાવ્યો છે અને જણાવ્યું કે, મંદિરના ભંડોળનો ઉપયોગ મેરેજ હોલ બનાવવા માટે ન કરી શકાય. મંગળવારે સુનાવણી દરમિયાન જસ્ટિસ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે કહ્યું કે, ધાર્મિક સ્થળોની મિલકતો અને પરિસરનો ઉપયોગ મેરેજ હોલ બનાવવા માટે કરી શકાતો નથી, કારણ કે આવા સ્થળોએ અશ્લીલ ડાન્સ અને ગીતો વગાડવામાં આવે તેવી શક્યતા છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, આવા હોલમાં માત્ર ડાન્સ અને સંગીત જ નહીં, પરંતુ દારૂ પીરસવા જેવી પ્રવૃત્તિઓ પણ થઈ શકે છે અને તેના પર કોઈ નિયંત્રણ નહીં રહેશે. જે ધાર્મિક સ્થળની પવિત્રતાને નુકસાન પહોંચાડી શકે છે. કોર્ટે મદ્રાસ હાઈકોર્ટના આદેશ પર રોક લગાવવાનો ઈનકાર કરી દીધો, જેણે રાજ્ય સરકારના ર્નિણયને રદ કરી દીધો હતો. આ સાથે જ બેન્ચે ચેતવણી આપી કે, મંદિર ફંડમાંથી એક પણ પૈસો ખર્ચ કરવો એ તિરસ્કાર માનવામાં આવશે.
તમિલનાડુ સરકારે કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે, મેરેજ હોલનું નિર્માણ જાહેર હિતમાં કરવામાં આવી રહ્યું છે અને રાજ્યમાં મંદિર પરિસરમાં લગ્ન એક સામાન્ય પરંપરા છે. વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગી અને જયદીપ ગુપ્તાએ કહ્યું કે, મંદિરમાં લગ્ન હંમેશા ધાર્મિક વિધિઓ અનુસાર થતા હતા, જ્યાં સંગીત અને ડાન્સ થવાની કોઈ શક્યતા નથી.
બેન્ચે સવાલ ઉઠાવ્યો કે, મંદિર ફંડનો ઉપયોગ મેરેજ હોલના બદલે શૈક્ષણિક સંસ્થા અથવા તો હોસ્પિટલ જેવા સેવાના કાર્યો માટે કેમ કરવામાં નથી આવી રહ્યો. કોર્ટે ટિપ્પણી કરી કે, ભક્તો જે ચઢાવો ચઢાવે છે, તેઓ મેરેજ હોલ માટે દાન નથી કરતા. દાન કરનારા લોકો આ પ્રકારની ગતિવિધિઓના પક્ષમાં નહીં રહેશે.
આ પહેલા મદ્રાસ હાઈકોર્ટે પહેલા જ સરકારના એ આદેશને રદ કરી દીધો હતો, જેમાં તમિલનાડુના પાંચ અલગ-અલગ મંદિરોના ફંડનો ઉપયોગ કરીને મેરેજ હોલ બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી. ત્યારબાદ રાજ્ય સરકારે હાઈકોર્ટના ર્નિણયને પડકારતા સુપ્રીમ કોર્ટનો દરવાજાે ખખડાવ્યો હતો.
