
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
હૈદરાબાદની તેલંગણા હાઇકોર્ટે શૈક્ષણિક ક્ષેત્રે વિદ્યાર્થીઓના હિત માં એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે, કોઈપણ ખાનગી શૈક્ષણિક સંસ્થા બાકી ફી ની વસૂલાત કરવા માટે વિદ્યાર્થીના અસલ શૈક્ષણિક પ્રમાણપત્ર રોકી શકે નહીં.
અદાલતે ભારપૂર્વક જણાવ્યુ હતું કે અસલ પ્રમાણપત્રો એ વિદ્યાર્થીની વ્યક્તિગત અને શૈક્ષણિક મિલકત છે અને કોઈ પણ સંસ્થાને તેને (પ્રમાણપત્રોને) પોતાની પાસે રાખવાનો અધિકાર નથી. હૈદરાબાદની સિધ્ધાર્થ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સ વિરુધ્ધ સી.મુરલીધર નામના વિદ્યાર્થીએ દાખલ કરેલી રિટ પિટિશન પર સુનાવણી કરતા જસ્ટીસ જુવાડી શ્રીદેવીની સિંગલ જજની બેન્ચે આ આદેશ આપ્યો હતો. કોર્ટે અવલોકન કર્યું હતું કે “જો કોલેજને વિદ્યાર્થી પાસે ફી ના નાણાં લેવાના બાકી હોય તો પણ અસલ પ્રમાણપત્રો દબાવી રાખવા એ વસુલાત માટેનો કોઈ માર્ગ હોઈ શકે નહીં. કોલેજ પાસે જો કોઈ લેણું હોય, તો તેણે તે વસૂલવા માટે કાયદાકીય પ્રક્રિયાનો આશરો લેવો જોઈએ.” કેસની વિગતો મુજબ અરજદાર વિદ્યાર્થીએ બી.ટેક મિકેનિકલ એન્જિનિયરિંગ માં પ્રવેશ મેળવ્યો હતો અને તે સમયે તેના એસ.એસ.સી(SSC) ઇન્ટરમિડીયેટ, ટ્રાન્સફર સર્ટીફીકેટ અને બોનોફાઇડ જેવા અસલ દસ્તાવેજો કોલેજમાં જમા કરાવ્યા હતા.
પ્રવેશના માત્ર ૧૫ દિવસ બાદ કોલેજમાં વરિષ્ઠ વિદ્યાર્થીઓ સાથે થયેલી ટકરાર અને ત્યારબાદ બનેલી એક દુઃખદ ઘટનાને કારણે વિદ્યાર્થીએ અધવચ્ચે જ અભ્યાસ છોડી દીધો હતો. જ્યારે તેણે પોતાના દસ્તાવેજો પાછા માંગ્યા ત્યારે કોલેજે તેની અરજી સ્વીકારવાનો ઇનકાર કર્યો અને બાકીના ત્રણ વર્ષની ફી ચૂકવવાની માંગ કરી હતી. વિદ્યાર્થીના વકીલે દલીલ કરી હતી કે આ પ્રમાણપત્રો વિદ્યાર્થી માટે રોજગારી મેળવવા અને આજીવિકા કમાવવા માટે અનિવાર્ય છે. કોર્ટે આ દલીલ સાથે સંમતિ દર્શાવતા નોંધ્યું હતું કે, વિદ્યાર્થીએ અભ્યાસ છોડી દીધો છે તે બાબત વિવાદિત નથી. કોર્ટે કોલેજ દ્વારા દસ્તાવેજો રોકી રાખવાના કૃત્યને “સંપૂર્ણપણે ગેરવાજબી” ગણાવ્યું હતું અને કોલેજને તાત્કાલિક તમામ અસલ પ્રમાણપત્રો વિદ્યાર્થીને પરત કરવાનો આદેશ આપ્યો હતો.




