
વિધાનસભા ગૃહ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળના લાભાર્થીઓને આર્થિક મદદ માટેની ‘સ્ટેટ ટોપ-અપ યોજના’ની વિગતો આપતાં ગ્રામ વિકાસ મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે રાજ્યના દરેક નાગરિકનું ‘ઘરના ઘરનું’ સ્વપ્ન પૂર્ણ કરવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે ૧૦૦ ટકા રાજ્ય ફાળાની યોજના અમલમાં મૂકવામાં આવી છે.
આ અંગે ગ્રામ વિકાસ મંત્રીએ કહ્યું કે વર્ષ ૨૦૨૫-૨૬થી આ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત જેમના આવાસનાં કામો આર્થિક કારણોસર અધૂરા રહી ગયા હોય, તેઓ વધુ સારું અને સુવિધાયુક્ત મકાન બનાવી શકે તે માટે સહાયની રકમમાં રૂ. ૫૦ હજારની વધારાની જોગવાઈ કરવામાં આવી છે.
આ ઉપરાંત, વર્ષ ૨૦૧૬-૧૭થી ર૦ર૩-ર૪ દરમિયાન કોઈ પણ કારણોસર અધૂરા રહેલા આશરે ૧૮,૦૦૦ જેટલા આવાસો પૂર્ણ કરવા માટે ₹ ૯૦ કરોડની રકમની જોગવાઈ કરી છે. આ સહાયની ચૂકવણી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) પદ્ધતિથી સીધી લાભાર્થીના બેંક ખાતામાં કરવામાં આવશે. આ નિર્ણયથી હજારો પરિવારો પોતાનું મકાન પૂર્ણ કરી શકશે તેમ, તેમણે ઉમેર્યું હતું.
જ્યારે રાજ્યમાં વસતાં કાથોડી, કોડવાળિયા, પઢાર, સિદ્દી અને કોલ્ગા જેવા આદિમજૂથોના નાગરિકોને આવાસ માટેની PM-JANMAN યોજના હેઠળ લાભાર્થીને રૂ. બે લાખની સહાય ચૂકવવામાં આવે છે.
જે અંતર્ગત વલસાડ જિલ્લાની વિગતો આપતાં તેમણે જણાવ્યું કે વર્ષ ૨૦૨૪-૨૫માં કુલ ૬૭૧ અને વર્ષ ૨૦૨૫-૨૬માં તા. ૩૧ જાન્યુઆરી, ૨૦૨૬ સુધીમાં ૧૨૦૫ લાભાર્થીઓને સહાય ચૂકવવામાં આવી છે.
આમ, રાજ્ય સરકારના આ પ્રયાસોથી ગ્રામીણ ક્ષેત્રે ‘સૌને આવાસ’નું લક્ષ્ય વધુ ઝડપથી પૂર્ણ થશે તેવો વિશ્વાસ ગ્રામવિકાસ મંત્રીએ વ્યક્ત કર્યો હતો.




