
ફાઇનલમાં ભારતને ૧૯૧ રનથી હરાવ્યું.પાકિસ્તાન અંડર-૧૯ એશિયા કપની ફાઈનલમાં ચેમ્પિયન બન્યું.દુબઈના આઈસીસી એકેડમી ગ્રાઉન્ડમાં પાકિસ્તાને ફાઇનલમાં ભારતને ૧૯૧ રનથી હરાવીને એશિયા કપનો ખિતાબ જીત્યો છ.અંડર-૧૯ એશિયા કપ ૨૦૨૫ની ફાઇનલમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલ રમાઈ ગઈ. આ બ્લોકબસ્ટર મેચ દુબઈના આઈસીસી એકેડમી ગ્રાઉન્ડમાં યોજાઈ હતી. મેચમાં પાકિસ્તાને ભારતને જીત માટે ૫૦ ઓવર્સમાં ૩૪૮ રનનો ટાર્ગેટ આપ્યો હતો. તેના જવાબમાં રમવા ઉતરેલી ભારતીય ટીમ ૧૫૬ના સ્કોર પર સમેટાઈ ગઈ હતી.
દુબઈના આઈસીસી એકેડમી ગ્રાઉન્ડમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે અંડર ૧૯ એશિયા કપની ફાઇનલ મેચ રમાઈ ગઈ. આ મેચમાં પાકિસ્તાની ટીમે ૮ વખત ચેમ્પિયન રહેલી ભારતીય ટીમને ૧૯૧ રને હરાવી દીધી છે. પાકિસ્તાને આપેલા ૩૪૮ રનના ટાર્ગેટ સામે જવાબમાં રમવા ઉતરેલી ભારતીય ટીમ ૧૫૬ના સ્કોર પર સમેટાઈ ગઈ હતી.
રનચેઝમાં ભારતીય ટીમની શરૂઆત તો તોફાની રહી, પણ ટૂંકાગાળામાં ફટાફટ ચાર વિકેટ પડી ગઈ. કપ્તાન આયુષ મ્હાત્રે અને વૈભવ સૂર્યવંશીને અલી રઝાએ પવેલિયન મોકલી દીધા. આયુષે ૨ રન બનાવ્યા, જ્યારે વૈભવે ૩ છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી ૧૦ બોલમાં ૨૬ રન બનાવી દીધા હતા. એરોન જાેર્જ (૧૬ રન) અને વિહાન મલ્હોત્રા (૭ રન) પણ મોટો સ્કોર બનાવી શક્યા નહોતા. વિહાનના આઉટ થવાના સમયે ભારતનો સ્કોર ૫૯/૪ હતો. વેદાંત ત્રિવેદી (૯ રન)થી મોટી ઇનિંગ્સની આશા હતી, પણ તે મોહમ્મદ સૈયામના શોર્ટ બોલ પર પોતાની વિકેટ ખોઈ દીધી. ત્યાર બાદ ભારતીય ઇનિંગ્સની વિકેટ ધડાધડ પડવા લાગી અને ૨૭ ઓવરમાં તો ઓલઆઉટ થઈ ગઈ.
પાકિસ્તાની ટીમે ટોસ હારીને પહેલા બેટિંગ કરતા ૮ વિકેટ પર ૩૪૭ રન બનાવ્યા. પાકિસ્તાનની શરૂઆત એટલી સારી નહોતી રહી. ચોથી જ ઓવરમાં તેમના વિકેટકીપર બેટ્સમેન હમઝા ઝહૂર (૧૮ રન) બનાવીને આઉટ થયો. હમઝાને ફાસ્ટ બોલર હેનિલ પટેલે આઉટ કર્યો. ત્યાર બાદ સમીર મિન્હાસ અને ઉસ્માન ખાને બીજી વિકેટ માટે ૯૨ રનની ભાગીદારી કરી પાકિસ્તાન ટીમને સંભાળી. ઉસ્માન ખાન ૩૫ રન બનાવી આઉટ થયો.
ઉસ્માન ખાન આઉટ થયા બાદ સમીર મિન્હાસે અહમદ હુસૈન સાથે ત્રીજી વિકેટ માટે ૧૩૭ રનની ભાગીદારી કરી. આ ભાગીદારી દરમિયાન સમીરે ૧૨ ચોગ્ગા અને ૪ છગ્ગાની મદદથી પોતાની સદી પૂરી કરી.
સમીરે આ ટૂર્નામેન્ટમાં આ બીજી સદી ફટકારી છે. ખિલાન પટેલે હુસૈનને આઉટ કરી આ ભાગીદારી તોડી. હુસૈને ૨ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૭૨ બોલ પર ૫૬ રન બનાવ્યા હતા.
સમીર મિન્હાસ તરીકે ભારતીય ટીમને ચોથી સફળતા મળી, જે દીપેશ દેવેન્દ્રનના બોલ પર મોટો શોટ રમવા માટે કેચ આઉટ થઈ ગયો.
સમીરે ૧૧૩ બોલમાં ૧૭૨ રન બનાવ્યા, જેમાં ૧૭ ચોગ્ગા અને ૯ છગ્ગા સામેલ છે. પછી કનિષ્ક ચૌહાણે હુઝૈફા અહસાનને ખાતું પણ ન ખોલવા દીધું. ત્યાર બાદ પાકિસ્તાની કપ્તાન ફરહાન યૂસુફ ૧૯ રનના સ્કોર પર દીપેશ દેવેન્દ્રનનો શિકાર બન્યો. મોહમ્મદ શયાન ૭ રન અને અબ્દુલ સુભાન ૨ રન બનાવી શક્યો હતો.




