Sports News : ક્રિકેટના મહાકુંભ T20 વર્લ્ડ કપની દરેક આવૃત્તિમાં ઘણા રેકોર્ડ બને છે અને તૂટી જાય છે. T20 વર્લ્ડ કપ 2024 1 જૂનથી શરૂ થઈ રહ્યો છે અને તમામ ચાહકો ક્રિકેટના મહાસાગરમાં ડૂબકી મારવા માટે તૈયાર છે. આ વખતે T20 વર્લ્ડ કપમાં 20 ટીમો ભાગ લઈ રહી છે. આ કારણે તમામ ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં અત્યાર સુધી માત્ર 6 બોલર જ હેટ્રિક લઈ શક્યા છે. આમાં ભારતીય ટીમનો કોઈ બોલર સામેલ નથી.
આવું કરનારી આયર્લેન્ડ એકમાત્ર ટીમ છે
T20 વર્લ્ડ કપમાં આયર્લેન્ડ એકમાત્ર એવી ટીમ છે જેના બે બોલરોએ T20 વર્લ્ડ કપમાં હેટ્રિક લીધી છે. આયર્લેન્ડ માટે, કર્ટિસ કેમ્પરે વર્ષ 2021 અને જોસ લિટલ વર્ષ 2022માં હેટ્રિક લીધી હતી. આયર્લેન્ડ સિવાય એવી કોઈ ટીમ નથી કે જેના બે બોલરોએ T20 વર્લ્ડ કપમાં હેટ્રિક લીધી હોય. કર્ટિસ કેમ્ફરે વર્ષ 2021માં નેધરલેન્ડ સામે સતત ચાર બોલમાં ચાર વિકેટ લીધી હતી. જોશ લિટલ ન્યુઝીલેન્ડ સામે હેટ્રિક લીધી હતી.
આ બોલરોએ અત્યાર સુધી હેટ્રિક લીધી છે
T20 વર્લ્ડ કપના અત્યાર સુધીના ઈતિહાસમાં બ્રેટ લી (ઓસ્ટ્રેલિયા), વાનિન્દુ હસરાંગા (શ્રીલંકા), કાગીસો રબાડા (દક્ષિણ આફ્રિકા), કાર્તિક મયપ્પન (UAE), કર્ટિસ કેમ્ફર અને જોશ લિટલ હેટ્રિક લઈ ચૂક્યા છે. T20 વર્લ્ડ કપમાં પ્રથમ હેટ્રિક 2007માં બાંગ્લાદેશ સામે બ્રેટ લીએ લીધી હતી.
પ્રથમ મેચ ભારત સામે છે
આયર્લેન્ડની ટીમને T20 વર્લ્ડ કપ 2024 માટે ગ્રુપ Aમાં રાખવામાં આવી છે. આ ગ્રુપમાં ભારત, પાકિસ્તાન, આયર્લેન્ડ, અમેરિકા અને કેનેડાની ટીમ સામેલ છે. આયરલેન્ડની ટીમ પોતાની પ્રથમ મેચ 5 જૂને ભારત સામે રમવાની છે. આ પછી આયર્લેન્ડની ટીમ 7 જૂને કેનેડા સામે મેચ રમશે.
આયરિશ ટીમ ટી20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી માત્ર 7 મેચ જીતી શકી છે અને તે ક્યારેય ટી20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી શકી નથી. પોલ સ્ટર્લિંગને આગામી T20 વર્લ્ડ કપ માટે આયર્લેન્ડ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ટીમમાં યુવા અને અનુભવી ખેલાડીઓને તક મળી છે.
T20 વર્લ્ડ કપ 2024 માટે આયર્લેન્ડની ટીમ:
પોલ સ્ટર્લિંગ (કેપ્ટન), માર્ક એડેર, રોસ એડેર, એન્ડ્રુ બાલ્બિર્ની, કર્ટિસ કેમ્ફર, ગેરેથ ડેલાની, જ્યોર્જ ડોકરેલ, ગ્રેહામ હ્યુમ, જોશ લિટલ, બેરી મેકકાર્થી, નીલ રોક, હેરી ટેક્ટર, લોર્કન ટકર, બેન વ્હાઇટ, ક્રેગ યંગ.