
કેપ્ટન શુભમન ગિલે સ્વીકાર્યું અંતિમ ઓવરોમાં બોલરોએ લુટાવેલા રન ટીમને ભારે પડ્યા ખાસ કરીને છેલ્લી ૩ ઓવરમાં ૬૦ રન લુટાવ્યા અને પાવરપ્લેમાં નબળી બોલિંગને જવાબદાર ગણાવી
ઇંગ્લેન્ડ સામે લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી 3rd ODI મેચમાં ભારતીય ટીમને ૨૭ રનથી પરાજયનો સામનો કરવો પડ્યો છે. ઇંગ્લેન્ડ તરફથી મળેલા ૩૮૮ રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતા ભારતીય ટીમ ૫૦ ઓવરમાં ૭ વિકેટ ગુમાવીને ૩૬૦ રન જ બનાવી શકી હતી. આ હાર સાથે જ ભારતે T20 બાદ ૩ મેચોની વન-ડે સીરિઝ પણ ૧-૨થી ગુમાવી દીધી છે. મેચ બાદ ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટીમની હાર માટે સ્પષ્ટપણે બોલરોના ખરાબ પ્રદર્શનને જવાબદાર ઠેરવ્યું છે.
પોસ્ટ મેચ પ્રેઝન્ટેશનમાં કેપ્ટન શુભમન ગિલે સ્વીકાર્યું કે અંતિમ ઓવરોમાં બોલરોએ લુટાવેલા રન ટીમને ભારે પડ્યા હતા. શુભમન ગિલે જણાવ્યું,
“મને લાગે છે કે ૪૫મી ઓવર સુધી અમે મેચમાં મજબૂત સ્થિતિમાં બનેલા હતા. પરંતુ અમે છેલ્લી ૩ ઓવરોમાં ખૂબ જ વધારે રન આપી દીધા. અમે આ ઓવરોમાં લગભગ ૬૦ રન લુટાવ્યા અને ત્યાંથી જ મેચ અમારા હાથમાંથી સરકી ગઈ.”ભારતીય કેપ્ટન શુભમન ગિલે રન ચેઝની રણનીતિ અંગે ખુલાસો કરતા કહ્યું કે, “હા, ચોક્કસપણે અમે વિચાર્યું હતું કે જાે ૪૦ ઓવર પછી અમારી પાસે વિકેટો બચી રહેશે, તો અમે મેચ જીતી શકીશું. જાેકે, અમે રન રેટમાં પાછળ પણ રહેવા નહોતા માંગતા.
આ જ કારણે પાવરપ્લે પછી અમે રન બનાવવાની ગતિ વધારી અને રન રેટને ૬ કે ૬.૫ની આસપાસ જાળવી રાખ્યો. જાે અમે ૬ કે ૬.૫ની એવરેજથી રમીને અંતિમ ૧૦ ઓવરમાં ૧૦૦-૧૧૦ રન બનાવ્યા હોત, તો પરિણામ કંઈપણ હોઈ શકતું હતું.”
શુભમન ગિલના મતે આ સીરિઝમાં બોલરોનું પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું છે. તેણે ઉમેર્યું, “આ સીરિઝમાં લગભગ તમામ બેટ્સમેનોએ રન બનાવ્યા છે. પરંતુ આ મેચમાં અમે સારી બોલિંગ ન કરી, ખાસ કરીને પાવરપ્લેમાં. પાવરપ્લે દરમિયાન અમે ઘણા ખરાબ બોલ ફેંક્યા, જેનો ફાયદો ઉઠાવીને ઇંગ્લેન્ડના બંને ઓપનર્સે શાનદાર બેટિંગ કરી અને અમને મેચમાં વાપસી કરવાની કોઈ તક જ ન આપી. ત્યારબાદ ડેથ ઓવર્સમાં પણ તેઓ અમારાથી ઘણું આગળ નીકળી ગયા.”
“રોહિત અને વિરાટે છેલ્લા કેટલાક વર્ષોમાં દુનિયાના અલગ-અલગ દેશોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. રોહિત ભાઈએ આ મુકાબલામાં જે રીતે બેટિંગ કરી તેનાથી હું ઘણો ખુશ છું. અંતમાં વિકેટ થોડી ધીમી થઈ ગઈ હતી અને રન બનાવવા સરળ નહોતા, છતાં તેમણે જે અદભુત ઇનિંગ રમી તે જાેવાની ખૂબ મજા આવી.”
મેચમાં ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા બેન ડકેટના ૧૪૧ રન, જેકબ બેથલના ૯૧ રન અને જાે રૂટની ૪૮ બોલમાં અણનમ ૭૪ રનની વિસ્ફોટક ઇનિંગની મદદથી ૫૦ ઓવરમાં ૩ વિકેટે ૩૮૭ રન બનાવ્યા હતા. જવાબમાં ભારત તરફથી રોહિત શર્માએ ૧૩૮ રન, શુભમન ગિલે ૭૭ રન અને વિરાટ કોહલીએ ૭૪ રનની લડાયક ઇનિંગ્સ રમી હોવા છતાં મિડલ ઓર્ડરના ધબડકાને કારણે ટીમ ઇન્ડિયા લક્ષ્યથી ૨૭ રન દૂર રહી ગઈ હતી.




