
ચોરોએ વાહન ઊભું રાખવાને બદલે પૂરઝડપે સોનગઢ તરફ હંકારી મૂક્યું ઇનોવા અને પીછો કરતી RTO ની બલેનો કન્ટેનરમાં અથડાતાં કચ્ચરઘાણ વળી ગયા સોનગઢ જૂના RTO ચેકપોસ્ટ નજીક બનેલી આ ઘટનામાં તાપ્તી રેન્જના RTO વિકાસ દેસાઈ અને અન્ય એક યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે
તાપી જિલ્લાના સોનગઢ વિસ્તારમાં એક અત્યંત કરુણ અને કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. ગેરકાયદેસર લાકડાની હેરાફેરી કરતા માફિયાઓનો પીછો કરતી વખતે વન વિભાગની ગાડી અને લાકડા ચોરોની કાર રસ્તા પર ઊભેલા કન્ટેનર સાથે ધડાકાભેર અથડાતાં ભયાનક અકસ્માત સર્જાયો હતો. સોનગઢ જૂના RTO ચેકપોસ્ટ નજીક બનેલી આ ઘટનામાં તાપ્તી રેન્જના RFO વિકાસ દેસાઈ અને અન્ય એક યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, તાપી રેન્જના લીલાછમ જંગલોમાંથી કિંમતી લાકડાની ગેરકાયદેસર ચોરી અને હેરાફેરી થઈ રહી હોવાની ચોક્કસ બાતમી વન વિભાગને મળી હતી. આ માહિતીના આધારે, પોતાની ફરજ પ્રત્યે અત્યંત સતર્ક એવા RFO વિકાસ દેસાઈ અને તેમની ટીમ રાત્રિના સમયે પેટ્રોલિંગમાં હતી. વહેલી સવારે આશરે ૩થી ૫ વાગ્યાના સુમારે ઉકાઈ તરફથી શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલી એક ઈનોવા ગાડીને રોકવાનો વન વિભાગની ટીમે ઈશારો કર્યો હતો.
વન વિભાગની ટીમને જાેઈને લાકડા ચોરોએ વાહન ઊભું રાખવાને બદલે પૂરઝડપે સોનગઢ તરફ હંકારી મૂક્યું હતું. RFO વિકાસ દેસાઈએ પોતાની બલેનો કારમાં આ શંકાસ્પદ ઈનોવા ગાડીનો પીછો કરવાનું શરૂ કર્યું હતું. બંને વાહનો અતિશય ઝડપે સોનગઢ RTO ચેકપોસ્ટ નજીક પહોંચ્યા ત્યારે આગળ ભાગી રહેલી ઈનોવા ગાડી રસ્તા પર ઊભેલા એક કન્ટેનર સાથે ધડાકાભેર અથડાઈ હતી, અને તેની બિલકુલ પાછળ પૂરઝડપે આવી રહેલી RFO વિકાસ દેસાઈની બલેનો કાર પણ ઈનોવા સાથે અથડાઈ પડી હતી.
આ ત્રિપલ અકસ્માતમાં બંને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ ગંભીર અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે વન વિભાગના RFO વિકાસ દેસાઈ અને ઈનોવા કારમાં સવાર સરજાલી ગામના રહીશ રેહાન ગામીતનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું. અકસ્માતની જાણ થતાં જ ઉચ્છલ પોલીસ અને વહીવટી અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
નાયબ પોલીસ અધિક્ષક ઈશ્વર પરમારે ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, અકસ્માતગ્રસ્ત ઈનોવા ગાડીમાંથી ગેરકાયદેસર લાકડા મળી આવ્યા છે. પોલીસે બંને મૃતદેહોનો કબજાે મેળવી પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યા છે અને બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




