
અમન સેહરાવત ટુર્નામેન્ટમાંથી ડિસક્વાલિફાઈ વધુ એક ભારતીય રેસલર ઓવરવેટને કારણે વર્લ્ડ ચેમ્પિયનશિપથી બહાર પેરિસ ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા અમન સેહરાવતને આ ટુર્નામેન્ટમાંથી ડિસક્વાલિફાઈ કરવામાં આવ્યો છે
વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૫માં ભારતીય આશાઓને મોટો ઝટકો લાગ્યો છે. પેરિસ ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા અમન સેહરાવતને આ ટુર્નામેન્ટમાંથી ડિસક્વાલિફાઈ કરવામાં આવ્યો છે. અમન સેહરાવતનું વજન નિર્ધારિત મર્યાદાથી વધુ હોવાનું જાણવા મળ્યું હતું. તે પુરુષોની ફ્રીસ્ટાઈલ ૫૭ કિલો વજન શ્રેણીમાં ભાગ લેવા જઈ રહ્યો હતો.
અહેવાલો અનુસાર, કુશ્તીબાજ અમન સેહરાવતનું વજન ૧ કિલો અને ૭૦૦ ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું હતું. નિયમો મુજબ, કુશ્તીબાજનું વજન તેની શ્રેણી સાથે બરાબર મેળ ખાતું હોવું જાેઈએ. ફક્ત થોડા ગ્રામનો તફાવત તેને ટુર્નામેન્ટમાંથી બહાર કરી શકે છે. નોંધનીય છે કે, આ કારણોસર પેરિસ ઓલિમ્પિકમાં ફાઇનલ મેચ પહેલા રેસલર વિનેશ ફોગાટને ડિસક્વાલિફાઈ કરાઈ હતી. ત્યારબાદ ટાઇટલ મેચ પહેલા વિનેશનું વજન ૫૦ કિલો ૧૦૦ ગ્રામથી વધુ હોવાનું જાણવા મળ્યું હતું. સૂત્રોના જણાવ્યાનુસાર, ‘આ દુર્ભાગ્યપૂર્ણ અને આઘાતજનક છે કે અમન સેહરાવત પોતાનું વજન નિયંત્રિત કરી શક્યા નહીં. જ્યારે અમન સેહરાવતે વજન મશીન પર પગ મૂક્યો ત્યારે તેનું વજન ૧૭૦૦ ગ્રામ વધુ થઈ ગયું. આ બિલકુલ સ્વીકાર્ય નથી.‘
અમન સેહરાવત ૨૫ ઓગસ્ટના રોજ અન્ય ભારતીય કુશ્તીબાજાે સાથે ક્રોએશિયાના ઝાગ્રેબ પહોંચ્યો હતો. તેની પાસે વજન ઉતારવા માટે પૂરતો સમય હતો. ૨૨ વર્ષીય અમન સેહરાવત છત્રસાલ સ્ટેડિયમમાં ટ્રેનિંગ લે છે. આ વખતે ભારત માટે મેડલના સૌથી મોટા દાવેદારમાંના એક તરીકે અમન સેહરાવતને ગણવામાં આવતો હતો.
અમન સેહરાવત પેરિસ ઓલિમ્પિક્સ (૨૦૨૪)માં ભાગ લેનાર એકમાત્ર ભારતીય પુરુષ કુશ્તીબાજ હતો. અમને મેન્સ ફ્રીસ્ટાઇલ ૫૭ કિગ્રા વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું હતું. તેણે બ્રોન્ઝ મેડલ મેચમાં પ્યુઅર્ટો રિકોના ડેરિયન તોઈ ક્રુઝને ૧૩-૫થી હરાવ્યો હતો.
