Indian Team : ભારતીય ટીમે શ્રીલંકા સામેની ત્રીજી T20 મેચ સુપર ઓવરમાં જીતી લીધી છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપ કરી લીધું છે. ત્રીજી મેચમાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરીને 137 રન બનાવ્યા હતા. આ પછી શ્રીલંકાની ટીમે પણ 20 ઓવરમાં 137 રન બનાવ્યા જેના કારણે સ્કોર બરોબર બની ગયો. ત્યારબાદ બંને ટીમો વચ્ચે સુપર ઓવર થઈ. જ્યાં ભારતીય ટીમનો વિજય થયો હતો. આ મેચમાં ભારતીય ટીમ માટે બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
ભારતીય બેટ્સમેનો ખરાબ રીતે ફ્લોપ રહ્યા હતા
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. જ્યારે પાવરપ્લેમાં 30 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી સ્કોર 48/5 થયો. આવી સ્થિતિમાં એવું લાગી રહ્યું હતું કે ટીમ ઈન્ડિયા ખૂબ જ ઓછા સ્કોર પર સમેટાઈ જશે. પરંતુ ત્યાર બાદ ઓપનર શુભમન ગિલ અને રિયાન પરાગે અડધી સદીની ભાગીદારી કરી હતી. ગિલે 37 બોલમાં 39 રન બનાવ્યા હતા. જ્યારે પરાગે 26 રન બનાવ્યા હતા. વોશિંગ્ટન સુંદરે 25 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમીને ભારતના કુલ સ્કોર 137 રન પર પહોંચાડ્યો હતો. ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં માત્ર 137 રન બનાવ્યા હતા.
રિંકુ અને સૂર્યાએ પણ બોલિંગ કરી હતી
નાના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમે મક્કમ શરૂઆત કરી હતી. જ્યારે તેણે પ્રથમ 8 ઓવરમાં 50 રન બનાવ્યા હતા. ટીમ માટે પથુમ નિસાંકા અને કુસલ મેન્ડિસ સારું પ્રદર્શન કરી રહ્યા હતા. 26 રનના સ્કોર પર પથુમ નિસાંકા સ્પિનર રવિ બિશ્નોઈના હાથે કેચ આઉટ થયો હતો. આ પછી પણ શ્રીલંકાને જીતની આશા હતી. જ્યારે 15 ઓવર પછી તેમનો સ્કોર એક વિકેટના નુકસાન પર 108 રન હતો અને તેમને જીતવા માટે 30 બોલમાં 30 રનની જરૂર હતી. ત્યારબાદ રવિ બિશ્નોઈએ 16મી ઓવરમાં વિકેટ લીધી અને અહીંથી મેચ ભારત તરફ વળ્યો. આ પછી વોશિંગ્ટન સુંદરે 17મી ઓવરમાં બે વિકેટ ઝડપી હતી.
ત્યારબાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવે 19મી ઓવર રિંકુ સિંહે ફેંકી હતી. આ ઓવરમાં રિંકુએ બે વિકેટ ઝડપી હતી. શ્રીલંકાને જીતવા માટે છેલ્લી ઓવરમાં 6 રનની જરૂર હતી. પરંતુ ત્યારબાદ સૂર્યકુમારે બોલિંગની જવાબદારી સંભાળી અને તેણે માત્ર 5 રન આપ્યા અને બે વિકેટ ઝડપી.
સુપર ઓવરમાં જીત મેળવી હતી
વોશિંગ્ટન સુંદરે સુપર ઓવરમાં ભારતીય ટીમ માટે બોલિંગની જવાબદારી લીધી હતી. તેણે માત્ર બે રન આપ્યા અને બે વિકેટ લીધી. આ પછી સૂર્યકુમાર યાદવે ચોગ્ગો ફટકારીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. સુંદરને તેના શ્રેષ્ઠ પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચ અને સૂર્યાને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ મળ્યો હતો. વોશિંગ્ટન સુંદર ભારતીય ટીમ માટે સૌથી મોટો હીરો સાબિત થયો છે.