
ભારતનો યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશી દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. જ્યારે પણ તે મેદાન પર આવે છે ત્યારે તે કોઈને કોઈ રેકોર્ડ બનાવે છે. IPL-2025ની હરાજીમાં રાજસ્થાન રોયલ્સે તેને રૂ. 1.10 કરોડમાં ખરીદ્યો ત્યારથી વૈભવે અનેક રેકોર્ડ બનાવ્યા છે. આ 13 વર્ષીય ક્રિકેટર હાલમાં વિજય હજારે ટ્રોફીમાં બિહાર તરફથી રમી રહ્યો છે અને આ ડાબા હાથના બેટ્સમેને અહીં પણ એક રેકોર્ડ બનાવ્યો છે.
વૈભવે તેની વિજય હજારે ટ્રોફીની શરૂઆત 21 ડિસેમ્બરે હૈદરાબાદના નેક્સજેન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મધ્ય પ્રદેશ સામે કરી હતી. આ સાથે તેનું નામ રેકોર્ડ બુકમાં આવી ગયું. તે લિસ્ટ-Aમાં ડેબ્યૂ કરનાર સૌથી યુવા ભારતીય બન્યો છે. વૈભવે 13 વર્ષ 269 દિવસની ઉંમરે વિજય હજારે ટ્રોફીમાં ડેબ્યૂ કર્યું હતું.
24 વર્ષનો રેકોર્ડ તોડ્યો
આ સાથે વૈભવે 24 વર્ષનો રેકોર્ડ તોડ્યો. તેમના પહેલા આ રેકોર્ડ અલી અકબરના નામે હતો જેણે 1999-2000ની સીઝનમાં વિજય હજારે ટ્રોફીમાં વિદર્ભ માટે 14 વર્ષ 51 દિવસની ઉંમરમાં ડેબ્યૂ કર્યું હતું. વૈભવ રણજી ટ્રોફીમાં ડેબ્યૂ કરનાર સૌથી યુવા ભારતીય છે. તાજેતરમાં તેણે અંડર-19 એશિયા કપમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તે IPL ઓક્શનમાં ખરીદાયેલો સૌથી યુવા ખેલાડી પણ છે.
જોકે, વૈભવનું ડેબ્યૂ નિરાશાજનક રહ્યું હતું. તેણે પોતાની બેટિંગથી ઘણો નિરાશ કર્યો અને બીજા જ બોલ પર પેવેલિયન પરત ફર્યો. આર્યન પાંડેએ તેને આઉટ કર્યો હતો. વૈભવે પહેલા બોલ પર ચોગ્ગો ફટકાર્યો અને પછીના બોલ પર તે આઉટ થયો. આ મેચમાં બિહારની ટીમ પ્રથમ બેટિંગ કરતા 196 રન જ બનાવી શકી હતી. મધ્યપ્રદેશે આ લક્ષ્યાંક 25.1 ઓવરમાં હાંસલ કરી લીધો હતો.
ઉંમર પર સવાલો ઉભા થયા છે
વૈભવનું નામ IPLમાં આવતાની સાથે જ તેને રાજસ્થાને ખરીદ્યો, ત્યારથી તે સમાચારમાં છે. તેની ઉંમરને લઈને પણ સવાલો ઉભા થયા છે. તેના પિતાએ પણ આ મામલે સ્પષ્ટતા આપવી પડી હતી. વૈભવના પિતાએ કહ્યું હતું કે તેમનો પુત્ર દરેક પરીક્ષામાં પાસ થયો છે. એશિયા કપમાં જ્યારે વૈભવે લાંબી સિક્સર ફટકારી ત્યારે પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર જુનૈદ ખાને પણ તેની ઉંમર પર સવાલ ઉઠાવ્યા હતા.
