
આગામી બે-ત્રણ દિવસમાં કેરળ ઉપરાંત તમિલનાડુમાં વરસાદનું આગમન થઈ શકે ઉત્તર ભારતમાં અનેક સ્થળે વાવાઝોડા સાથે વરસાદ, તાપમાનમાં ઘટાડો પહેલી જૂનથી સામાન્ય રીતે દક્ષિણ પશ્ચિમ વરસાદનો પ્રારંભ થાય છે અને બે-ત્રણ દિવસમાં કેરળમાં વરસાદ પડે છે ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યોમાં સોમવારે વરસાદ સાથે વાવાઝોડું અનુભવાયુ હતું અને તેના કારણે સામાન્ય કરતા નીચું તાપમાન નોંધાયુ હતું. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને હિમાચલ પ્રદેશમાં જૂન મહિનાનો પ્રથમ દિવસ વાતાવરણમાં મોટો પલટો લઈને આવ્યો હતો. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ, પહેલી જૂનથી સામાન્ય રીતે દક્ષિણ પશ્ચિમ વરસાદનો પ્રારંભ થાય છે અને બે-ત્રણ દિવસમાં કેરળમાં વરસાદ પડે છે. વરસાદ-વાવાઝોડાની વર્તમાન સ્થિતિ દક્ષિણપશ્ચિમ ચોમાસાના આગળ વધવા માટે સાનુકૂળ છે અને તેના કારણે બે-ત્રણ દિવસમાં અરબી સમુદ્રની દક્ષિણપૂર્વમાં, લક્ષદ્વિપ ટાપુઓ અને કેરળ-તમિલનાડુના કેટલાક વિસ્તારોમાં વરસાદ આવી શકે છે. આ સમયગાળા દરમિયાન બંગાળના અખાતની પશ્ચિમ-મધ્ય, પૂર્વ-મધ્ય અને ઉત્તર-પૂર્વના કેટલાક વિસ્તારોમાં વરસાદ આવી શકે છે. દિલ્હીમાં છેલ્લા ત્રણ વર્ષમાં જૂન મહિનાના પ્રથમ દિવસે સૌથી વધુ ઠંડક સોમવારે અનુભવાઈ હતી. દિલ્હીમાં મહત્તમ ૩૬.૩ અને લઘુતમ ૨૪.૯ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયુ હતું. દિલ્હીમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન વરસાદ નોંધાયો ન હતો. હવામાન વિભાગના મતે, મંગળવારે પણ દિલ્હી વિસ્તારમાં વરસાદની શક્યતા ઓછી છે. હરિયાણા, પંજાબમાં પણ મંગળવારે તાપમાન સામાન્ય કરતાં ઓછું રહી શકે છે. આ બંને રાજ્યમાં વરસાદના પગલે શનિવારથી ગરમીમાં ઘટાડો આવ્યો છે. રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં સોમવારે વાવાઝોડા સાથે વરસાદ આવ્યો હતો. મોટાભાગના વિસ્તારમાં મહત્તમ તાપમાનમાં ૫ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો આવ્યો હતો. નાગપુર, ફલોદી, ચિત્તોડગઢ અને અજમેર સહિત ૧૦ જિલ્લામાં ભારે પવન અને વરસાદનો અનુભવ થયો હતો. રાજસ્થાનમાં સૌથી વધુ ૪૩.૮ ડિગ્રી ગરમી ફલોદીમાં રહી હતી. ઉત્તર પ્રદેશમાં સોમવારે સૌથી વધુ ગરમી ફતેહગઢમાં ૪૨ ડિગ્રી રહી હતી. પાટનગર લખનઉમાં મહત્તમ ૩૪.૧ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયુ હતું. હિમાચલ પ્રદેશમાં રવિવાર સાંજથી અનેક વિસ્તારમાં ભારેથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. સરહાનમાં સૌથી વધુ ૩૪ મિમી વરસાદ હતો. પ્રવાસન સ્થળ શિમલામાં ધુમ્મસના કારણે વિઝિબલિટી ઘટી હતી. હવામાન વિભાગે હિમાચલ પ્રદેશમાં બુધવારથી શુક્રવાર સુધી વીજળી, વરસાદ અને વાવાઝોડા સાથે યલો એલર્ટ જારી કરી છે.



