
ગુજરાત સરકારનો મહત્વનો ર્નિણય ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન તરીકે તુષાર ધોળકિયા યથાવત ચેરમેન તુષાર ધોળકિયાની મુદત ૨ વર્ષ લંબાવવામાં આવી વર્ગ-૩ની ભરતીઓ કરતી સંસ્થાના વડા તરીકે તેઓ ૨૦૨૮ સુધી સેવા આપશે
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) ના ચેરમેન તુષાર ધોળકિયાના કાર્યકાળને લઈને રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે તુષાર ધોળકિયાની કામગીરી અને અનુભવને ધ્યાનમાં રાખીને તેમના ચેરમેન પદના કાર્યકાળમાં વધુ બે વર્ષનો વધારો કરવાનો આદેશ કર્યો છે. આ ર્નિણયથી ગૌણ સેવા પસંદગી મંડળની કામગીરીમાં સાતત્ય જળવાઈ રહેશે.
ઉલ્લેખનીય છે કે, તુષાર ધોળકિયાનો ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન તરીકેનો નિયમિત કાર્યકાળ તારીખ ૩૦મી સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થઈ રહ્યો હતો. મુદત પૂર્ણ થવાના આખરી દિવસે જ સરકારે મંજૂરી આપતાં હવે તેઓ વર્ષ ૨૦૨૮ સુધી ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન પદે સેવાઓ આપતા રહેશે.
ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં વર્ગ-૩ ની જગ્યાઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ભરતી પ્રક્રિયાઓ યોજવાની મુખ્ય સત્તા અને જવાબદારી ગૌણ સેવા પસંદગી મંડળ હસ્તક હોય છે. આગામી સમયમાં રાજ્યમાં મોટી સંખ્યામાં વર્ગ-૩ ની ભરતી પરીક્ષાઓ યોજાનાર છે, ત્યારે ચેરમેનના કાર્યકાળમાં કરાયેલા આ વધારાથી ભરતી પ્રક્રિયાઓ ઝડપી અને પારદર્શક રીતે પૂર્ણ કરવામાં મદદ મળશે.




