
દિવાળીના ફટાકડા પર સુપ્રીમ કોર્ટનો મોટો ર્નિણય ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ નહીં, સમય અને પ્રકાર પર નિયંત્રણ: સુપ્રીમ કોર્ટ સુપ્રીમ કોર્ટે ધાર્મિક પરંપરા, લોકોના સ્વાસ્થ્ય અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવવા માટે વ્યવહારુ માર્ગ શોધવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે
દિવાળીના તહેવાર પહેલાં ફટાકડાના ઉપયોગને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. ન્યાયાલયે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવશે નહીં, પરંતુ તેનો અર્થ એવો પણ નથી કે લોકો ૨૪ કલાક ફટાકડા ફોડી શકે. સુપ્રીમ કોર્ટે ધાર્મિક પરંપરા, લોકોના સ્વાસ્થ્ય અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવવા માટે વ્યવહારુ માર્ગ શોધવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
સુનાવણી દરમિયાન જસ્ટિસ એમ.એમ. સુંદરેશે જણાવ્યું હતું કે દેશભરમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાથી લોકોની ધાર્મિક લાગણીઓ પર અસર થઈ શકે છે. બીજી તરફ, ફટાકડાના સતત અને અનિયંત્રિત ઉપયોગથી વાયુ અને ધ્વનિ પ્રદૂષણ વધવાની સાથે બીમાર વ્યક્તિઓ, વૃદ્ધો અને નાના બાળકોના સ્વાસ્થ્ય પર પણ અસર થઈ શકે છે.
કોર્ટે જણાવ્યું કે એવો ઉકેલ શોધવાની જરૂર છે જે તહેવારની પરંપરાને જાળવી રાખે અને જાહેર આરોગ્ય સાથે પણ સમાધાન ન કરે. આ માટે ફટાકડા ફોડવા માટે ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવામાં આવી શકે છે.
સુપ્રીમ કોર્ટે સંકેત આપ્યો છે કે આગામી તબક્કામાં ફટાકડા ફોડવા માટે નિર્ધારિત સમય નક્કી કરવામાં આવી શકે છે. એટલે કે દિવાળીના દિવસે કોઈપણ સમયે અથવા આખી રાત ફટાકડા ફોડવાની મંજૂરી આપવાને બદલે નિયંત્રિત સમયગાળો નક્કી થઈ શકે છે.
આ ઉપરાંત કયા પ્રકારના ફટાકડાનો ઉપયોગ કરી શકાશે અને કયા પ્રકારના ફટાકડાઓ પર પ્રતિબંધ અથવા નિયંત્રણ રહેશે તેની પણ સ્પષ્ટતા કરવામાં આવી શકે છે. તેનો મુખ્ય હેતુ ફટાકડાથી થતા પ્રદૂષણને મર્યાદિત કરવાનો છે.
કોર્ટે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અને કેન્દ્ર સરકારને ફટાકડાના વધુ પરીક્ષણો કરવા માટે સમય આપ્યો છે. ખાસ કરીને ફટાકડામાં બેરિયમની હાજરી અને તેની માત્રા અંગે તપાસ કરવામાં આવશે.
સાથે જ ફટાકડાના સંયુક્ત ફાયર ટેસ્ટ કરીને તેનાથી ઉત્પન્ન થતા અવાજનું ડેસિબલ સ્તર માપવા માટે પણ સૂચના આપવામાં આવી છે. આ પરીક્ષણોના પરિણામોના આધારે કયા ફટાકડાનો ઉપયોગ મંજૂર કરી શકાય અને કયા ઉત્પાદનો પર નિયંત્રણ જરૂરી છે તે અંગે આગળની કાર્યવાહી થઈ શકે છે.
સુપ્રીમ કોર્ટે CPCB અને કેન્દ્ર સરકારને પરીક્ષણોના પરિણામો તથા વિગતવાર અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે. આ મામલે આગામી સુનાવણી ૧૫ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ થશે.
દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં દિવાળી દરમિયાન વાયુ પ્રદૂષણનો મુદ્દો દર વર્ષે ચર્ચામાં રહે છે. આ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટની કાર્યવાહીનો કેન્દ્રબિંદુ ફટાકડાના ઉપયોગ પર સંપૂર્ણ રોક લગાવવાનો નહીં, પરંતુ ધાર્મિક ઉજવણી સાથે જાહેર આરોગ્ય અને પર્યાવરણની ચિંતાઓને કેવી રીતે સંતુલિત કરવી તે રહેશે. આગામી સુનાવણીમાં ફટાકડાના સમય, પ્રકાર અને પરીક્ષણોના પરિણામોને આધારે વધુ સ્પષ્ટતા થવાની શક્યતા છે.




