
ઈરાને વધારી ઈઝરાયેલ-અમેરિકાની ચિંતા ઈરાને પહેલીવાર છોડી ડાન્સિંગ મિસાઈલ મિસાઈલની મારક ક્ષમતા અંદાજે ૨૦૦૦ કિલોમીટર છે અને તે ૭૦૦ કિલો સુધીના વિસ્ફોટકો લઈ જઈ શકે છે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલ અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધના ૧૬મા દિવસે રવિવારે ઈરાને ઈઝરાયેલ અને અમેરિકાના ઠેકાણાઓ પર મોટા પાયે મિસાઈલ હુમલા કર્યા છે. ઈરાની સમાચાર એજન્સી પ્રેસ ટીવી અનુસાર, આ હુમલાઓમાં સ્વદેશી રીતે વિકસિત સેજ્જિલ બેલેસ્ટિક મિસાઈલનો પહેલીવાર ઉપયોગ કરવામાં આવ્યો છે. આ હુમલો ફેબ્રુઆરીના અંતમાં શરૂ થયેલા યુદ્ધ પછી સેજ્જિલ મિસાઈલનું આ પ્રથમ યુદ્ધકાલીન લોન્ચિંગ છે. ઈરાની સેનાએ ટ્રૂ પ્રોમિસ ૪ અભિયાન હેઠળ ઈઝરાયેલના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર્સ અને મહત્વપૂર્ણ આર્મી બેઝને નિશાન બનાવ્યા. સેજ્જિલ મિસાઈલ ઘન ઇંધણથી ચાલતી બે તબક્કાની મધ્યમ અંતરની બેલેસ્ટિક મિસાઈલ છે, જેની મારક ક્ષમતા અંદાજે ૨૦૦૦ કિલોમીટર છે અને તે ૭૦૦ કિલો સુધીના વિસ્ફોટકો લઈ જઈ શકે છે.
આ મિસાઈલને નાચતી મિસાઈલ એટલે કે ડાન્સિંગ મિસાઈલ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે તે ઊંચાઈ પર પહોંચ્યા પછી હવામાં દાવપેચ કરી શકે છે. આ ક્ષમતાને કારણે આયર્ન ડોમ જેવી મિસાઈલ ડિફેન્સ સિસ્ટમથી પણ બચવાનું સરળ બની જાય છે. સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝ (CSIS) અનુસાર, આ મિસાઈલ લગભગ ૧૮ મીટર લાંબી, ૧.૨૫ મીટર વ્યાસ ધરાવતી અને ૨૩,૬૦૦ કિલોગ્રામ વજનની છે. ઘન ઇંધણને કારણે તેને ઝડપથી તૈયાર અને લોન્ચ કરી શકાય છે, જે જૂની પ્રવાહી ઇંધણવાળી શાહબ શ્રેણી કરતા વધુ સારો વ્યૂહાત્મક લાભ આપે છે. સેજ્જિલ મિસાઈલના વિકાસનું કામ ૧૯૯૦ના દાયકામાં શરૂ થયું હતું અને તેનું પ્રથમ પરીક્ષણ ૨૦૦૮માં થયું, જેમાં તે લગભગ ૮૦૦ કિમી દૂર ગઈ હતી. ત્યારબાદ કરવામાં આવેલ પરીક્ષણ થયું, જેમાં ૧૯૦૦ કિમી સુધીનું અંતર કાપવાનો રેકોર્ડ બનાવ્યો. આ હુમલો આવા સમયે થયો છે, જ્યારે આ યુદ્ધ ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા સંયુક્ત હુમલાથી શરૂ થયું હતું. આ હુમલાઓમાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનેઈનું મોત થયું હતું. ત્યારબાદ સમગ્ર ક્ષેત્રમાં આ સંઘર્ષે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે.
ઈરાને જવાબી કાર્યવાહીમાં ઈઝરાયેલ અને ખાડી દેશોમાં આવેલા અમેરિકાના ઠેકાણા પર સતત મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા છે. જ્યારે ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાની ઠેકાણા પર હુમલા ચાલી રાખ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, આ યુદ્ધમાં અત્યાર સુધીમાં ૨૦૦૦થી વધુ લોકોના મોત થયા છે, જેમાં મોટાભાગના ઈરાની નાગરિકો છે. પેન્ટાગોનના જણાવ્યા અનુસાર, સંઘર્ષ શરૂ થયા પછી અમેરિકા અને ઈઝરાયેલાના સેનાએ ઈરાનમાં ૧૫,૦૦૦થી વધુ સ્થળો પર હુમલા કર્યા છે. અમેરિકી મીડિયા અનુસાર, પેન્ટાગોને આ ક્ષેત્રમાં ેંજીજી ત્રિપોલી જેવું એમ્ફિબિયસ એસોલ્ટ શિપ ૨૫૦૦ મરીન સૈનિકો સાથે તૈનાત કર્યું છે.




