
રિપોર્ટથી ખળભળાટ ઈરાને ચીની સેટેલાઈટનો ઉપયોગ કરી અમેરિકન સૈન્ય ઠેકાણાને ટાર્ગેટ કર્યા ઈરાને TEE-01B સેટેલાઇટ્સનો ઉપયોગ કર્યો હતો, જેને ચીની કંપની અર્થ આઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે ઈરાને ચીનના જાસૂસી સેટેલાઇટનો ઉપયોગ કરીને મધ્ય પૂર્વમાં આવેલા અમેરિકન સૈન્ય ઠેકાણાઓની રેકી કરી હતી. આ જાસૂસીને કારણે ઈરાનને તમામ મહત્વની જાણકારી મળી ગઈ હતી અને ત્યારબાદ યુદ્ધ દરમિયાન તેને અમેરિકન ઠેકાણાઓને વીણી-વીણીને નિશાન બનાવ્યા હતા. ચીની સેટેલાઇટનો આ ઉપયોગ ૨૦૨૪ના છેલ્લા દિવસોમાં કરવામાં આવ્યો હતો. ફાઇનાન્શિયલ ટાઇમ્સના અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો છે.
રિપોર્ટ અનુસાર, ઈરાને TEE-01B સેટેલાઇટ્સનો ઉપયોગ કર્યો હતો, જેને ચીની કંપની અર્થ આઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. ઈરાની સેનાની એરોસ્પેસ ફોર્સે આ સેટેલાઇટની સેવાઓ ખરીદી હતી. ચીન દ્વારા આ સેટેલાઇટ્સ લોન્ચ કર્યાના ગણતરીના દિવસોમાં જ ઈરાને તેની સેવાઓ લેવાનું શરૂ કરી દીધું હતું.
બીજી તરફ, ચીની વિદેશ મંત્રાલયે આ રિપોર્ટને ધરમૂળથી ફગાવી દીધા છે. ચીનનું કહેવું છે કે તેના પર ટેરિફ લગાવવા માટે આવા પાયાવિહોણા આરોપો લગાવવામાં આવી રહ્યા છે. આ મનઘડંત આરોપોનો ઉપયોગ ચીન પર ટેરિફ લાદવાના બહાના તરીકે થઈ શકે છે. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાન જણાવ્યું કે જાે અમેરિકા અમારા પર ટેરિફ વધારશે તો અમે પણ તેનો જડબાતોડ જવાબ આપીશું.
ફાઇનાન્શિયલ ટાઇમ્સે લખ્યું છે કે ઈરાની સેનાના લીક થયેલા દસ્તાવેજાેના અભ્યાસ બાદ આ માહિતી સામે આવી છે. અખબારના જણાવ્યા અનુસાર, ઈરાની સેનાના કમાન્ડરોએ સેટેલાઇટ દ્વારા અમેરિકન સૈન્ય ઠેકાણાઓની મોનિટરિંગ કરવાના આદેશ આપ્યા હતા, ત્યારબાદ સેટેલાઇટની મદદથી તસવીરો અને અન્ય વિગતો મેળવવામાં આવી હતી.
આ તસવીરો ઘણા સમય પહેલા એકઠી કરવામાં આવી હતી. ત્યારબાદ જ્યારે ૨૮ ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર હુમલા કર્યા, ત્યારે ઈરાને પણ વળતો પ્રહાર કર્યો હતો. ઈરાને ઈરાક, કતાર, સાઉદી અરેબિયા સહિતના દેશોમાં આવેલા અમેરિકન સૈન્ય ઠેકાણાઓ પર ઘાતક હુમલા કર્યા હતા. એવી પણ માહિતી છે કે ચીની સેટેલાઇટ્સની રેન્જમાં એશિયાનો મોટાભાગનો હિસ્સો આવે છે, આ ઉપરાંત લેટિન અમેરિકા સહિતના અન્ય ક્ષેત્રો પણ તેની ઝપેટમાં છે.
ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ પોતે પણ ચીન પર આરોપ લગાવી ચૂક્યા છે કે તેણે હથિયારો દ્વારા ઈરાનને મદદ કરી છે. ટ્રમ્પે કહ્યું હતું કે મેં કેટલાક દેશો પર ૫૦ ટકા વધારાનો ટેરિફ લગાવવાની જે વાત કરી છે, તે મુખ્યત્વે ચીન માટે જ છે.
મહત્વનું છે કે મે મહિનામાં અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતે ચીન પ્રવાસે જવાના છે. એવું પણ માનવામાં આવે છે કે કદાચ પોતાના પ્રવાસ પહેલા એક સારી ડીલ માટે ચીન પર દબાણ લાવવાની તેમની આ એક વ્યૂહનીતિ હોઈ શકે છે.




