
આ એરપોર્ટ ૧૯૯૪માં શરૂ થયું હતું જાપાનના એરપોર્ટનો વર્લ્ડ રેકોર્ડ,૩૦ વર્ષમાં એક પણ બેગ નહીં ખોવાઈ જાપાન દુનિયાભરમાં તેની શિસ્ત, ટેક્નોલોજી અને કાર્યક્ષમ વ્યવસ્થાઓ માટે જાણીતું છે એ જ શિસ્તનું ઉત્તમ ઉદાહરણ છે
વિમાનમાં મુસાફરી કરતી વખતે સૌથી મોટો ડર હોય છે – સામાન ખોવાઈ જવાનો. પરંતુ જાપાનનું એક એરપોર્ટ એવું છે જ્યાં છેલ્લા ૩૦ વર્ષમાં એક પણ બેગ ખોવાઈ નથી.જાપાન દુનિયાભરમાં તેની શિસ્ત, ટેક્નોલોજી અને કાર્યક્ષમ વ્યવસ્થાઓ માટે જાણીતું છે. એ જ શિસ્તનું ઉત્તમ ઉદાહરણ છે કાન્સાઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક. ઓસાકામાં આવેલું આ એરપોર્ટ ૧૯૯૪માં શરૂ થયું હતું અને ત્યારથી અત્યાર સુધીમાં એક પણ મુસાફરનો સામાન ખોવાયો નથી, જે ખરેખર આશ્ચર્યજનક અને ગૌરવપૂર્ણ સિદ્ધિ છે.
આ એરપોર્ટ દર વર્ષે અંદાજે ૨૮ મિલિયન (૨.૮ કરોડ) મુસાફરોને સેવા આપે છે અને લગભગ ૧૦ મિલિયન બેગ અને સામાનનું સંચાલન કરે છે. સામાન્ય રીતે દુનિયાના મોટા એરપોર્ટ્સ પર દરરોજ અનેક બેગ ખોવાઈ જતી હોય છે, મોડું પહોંચે છે અથવા ખોટી ફ્લાઇટમાં જતી રહે છે. પરંતુ કાન્સાઈ એરપોર્ટે આ સમસ્યાને પૂરેપૂરી રીતે નાબૂદ કરી છે.
કાન્સાઈ એરપોર્ટની સફળતાનું મુખ્ય કારણ છે તેની મલ્ટી-લેયર બેગેજ હેન્ડલિંગ સિસ્ટમ. આ સિસ્ટમ દરેક તબક્કે સામાન પર નજર રાખે છે. વિમાન ઉતરતાની સાથે જ, કાર્ગો હોલ્ડમાંથી ઉતારવામાં આવેલી બેગની સંખ્યા અને વિમાનમાં લોડ કરાયેલ બેગની યાદી સાથે સરખામણી કરવામાં આવે છે. જાે ક્યાંય પણ નાની પણ ગડબડ જણાય, તો તરત જ તપાસ શરૂ કરવામાં આવે છે. બેગને અલગ-અલગ સેન્સર, સ્કેનર અને ઓટોમેટેડ કન્વેયર બેલ્ટ દ્વારા આગળ મોકલવામાં આવે છે. દરેક બેગનું ટ્રેકિંગ કરવામાં આવે છે, જેથી તે ખોટી જગ્યાએ ન પહોંચે.
આ એરપોર્ટનો મુખ્ય લક્ષ્ય છે કે વિમાન ઉતર્યા પછી ૧૫ મિનિટની અંદર બધી બેગ બેગેજ ક્લેમ એરિયામાં પહોંચી જાય. આ માટે સ્ટાફને વિશેષ તાલીમ આપવામાં આવે છે અને ટેક્નોલોજી સાથે માનવીય દેખરેખનું સંતુલન રાખવામાં આવે છે.આ સિદ્ધિને કારણે કાન્સાઈ એરપોર્ટને દુનિયાના સૌથી વિશ્વસનીય એરપોર્ટ્સમાં ગણવામાં આવે છે. ઘણી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને અન્ય દેશોના એરપોર્ટ્સ અહીંની સિસ્ટમનો અભ્યાસ કરવા આવે છે. જ્યારે દુનિયાભરમાં મુસાફરો બેગ ખોવાઈ જવાની ફરિયાદ કરતા હોય છે, ત્યારે જાપાનનું આ એરપોર્ટ બતાવે છે કે યોગ્ય આયોજન, શિસ્ત અને ટેક્નોલોજીથી કોઈપણ મુશ્કેલીનો ઉકેલ શક્ય છે. આ કિસ્સો માત્ર એક એરપોર્ટની સફળતા નથી, પરંતુ સમગ્ર દુનિયા માટે એક શીખ છે કે કાર્યક્ષમતા અને જવાબદારી સાથે કામ કરવામાં આવે તો “ઝીરો ભૂલ” પણ શક્ય છે.




