Kenya: કેન્યાના લશ્કરી વડા જનરલ ફ્રાન્સિસ ઓગોલાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું છે. કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ રૂટોએ એક ટેલિવિઝન સંબોધનમાં આ માહિતી આપી હતી. પ્રમુખ રૂટોએ જણાવ્યું હતું કે હેલિકોપ્ટર દુર્ઘટનામાં જનરલ ફ્રાન્સિસ ઓગોલા અને સૈન્યના અન્ય નવ સભ્યો માર્યા ગયા છે. ગુરુવારે બપોરે ઉડાન ભર્યા બાદ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. રુટોએ કહ્યું, ‘કેન્યા સંરક્ષણ દળોના વડા જનરલ ફ્રાન્સિસ ઓમોન્ડી ઓગોલાના નિધનની જાહેરાત કરતાં મને ખૂબ જ દુઃખ થયું છે. અકસ્માતનું કારણ જાણવા માટે એક તપાસ ટીમની રચના કરવામાં આવી છે અને તેને એલ્ગેયો મારકવેટ કાઉન્ટીમાં અકસ્માત સ્થળ પર રવાના કરવામાં આવી છે.’
‘દેશ માટે કમનસીબ દિવસ’
રુટોએ જણાવ્યું હતું કે જનરલ ઓગોલા ગુરુવારે કેન્યાના ઉત્તરીય રિફ્ટ ક્ષેત્રમાં સૈનિકો સાથે મળવા અને ત્યાં ચાલી રહેલા શાળાના નવીનીકરણનું નિરીક્ષણ કરવા માટે નૈરોબીથી નીકળ્યા હતા. તેમણે કહ્યું કે, ‘મારા માટે, કેન્યા સંરક્ષણ દળોના કમાન્ડર-ઇન-ચીફ તરીકે, કેન્યા સંરક્ષણ દળોના સમુદાય માટે આ દુઃખદ ક્ષણ છે અને રાષ્ટ્ર માટે સૌથી દુર્ભાગ્યપૂર્ણ દિવસ છે. આપણી માતૃભૂમિએ તેના સૌથી બહાદુર સેનાપતિઓમાંથી એક ગુમાવ્યો છે.
ત્રણ દિવસનો શોક
રાષ્ટ્રપતિએ જાહેરાત કરી છે કે કેન્યા શુક્રવારથી ત્રણ દિવસનો શોક મનાવશે. કેન્યાના સંરક્ષણ મંત્રાલયની વેબસાઈટ મુજબ, જનરલ ઓગોલા 1984માં કેન્યાના સંરક્ષણ દળોમાં જોડાયા હતા અને કેન્યા એરફોર્સમાં નિયુક્ત થયા પહેલા 1985માં સેકન્ડ લેફ્ટનન્ટ બન્યા હતા. રાષ્ટ્રપતિના પ્રવક્તા હુસૈન મોહમ્મદના જણાવ્યા અનુસાર કેન્યાના રાષ્ટ્રપતિએ હેલિકોપ્ટર દુર્ઘટના બાદ નૈરોબીમાં દેશની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની તાત્કાલિક બેઠક બોલાવી છે.
હેલિકોપ્ટર દુર્ઘટનામાં અન્ય સૈન્ય કર્મચારીઓ માર્યા ગયા
- બ્રિગેડિયર સ્વાલે સૈદી
- કર્નલ ડંકન કેટની
- લેફ્ટનન્ટ કર્નલ ડેવિડ સવે
- મેજર જ્યોર્જ બેન્સન મગોન્ડુ
- કેપ્ટન સોરા મોહમ્મદ
- કેપ્ટન હિલેરી લિતાલી
- વરિષ્ઠ સાર્જન્ટ જોન કિન્યુઆ મુરેથી
- સાર્જન્ટ ક્લિફોન્સ ઓમોન્ડી
- સાર્જન્ટ રોઝ ન્યાવીરા