ઇઝરાયેલની સેના લેબનીઝ સરહદમાં પ્રવેશી છે. ઇઝરાયેલી સેનાએ લેબનોનમાં સૈન્ય કાર્યવાહી શરૂ કરી દીધી છે. ઈઝરાયેલે અમેરિકાને પણ આ માહિતી આપી છે.
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે પત્રકારોને જણાવ્યું હતું કે, “તેઓએ (ઇઝરાયેલ) અમને કહ્યું છે કે તેઓ હાલમાં સરહદની નજીક હિઝબુલ્લાહના માળખાને નિશાન બનાવીને મર્યાદિત અભિયાન ચલાવી રહ્યા છે.” યુ.એસ.એ વધુમાં જણાવ્યું કે ઇઝરાયેલે લેબનોનમાં ગ્રાઉન્ડ ફોર્સ મોકલી છે.
મળતી માહિતી મુજબ અમેરિકાએ આ સૈન્ય કાર્યવાહી મોટી હશે કે નાની એવી કોઈ માહિતી આપી નથી. તમને જણાવી દઈએ કે ઈઝરાયેલે હજુ સુધી લેબનોનમાં ઈઝરાયલી સેનાના પ્રવેશ અંગે સત્તાવાર માહિતી આપી નથી.
અમેરિકા યુદ્ધવિરામની હિમાયત કરી રહ્યું છે
જો કે અમેરિકાએ ફરી એકવાર ઈઝરાયેલ અને હિઝબુલ્લા વચ્ચે યુદ્ધવિરામની વકાલત કરી છે. “યુનાઇટેડ સ્ટેટ્સ ઇઝરાયેલ અને હિઝબોલ્લાહ વચ્ચેના યુદ્ધવિરામને સમર્થન આપે છે,” પરંતુ ઉમેર્યું કે લશ્કરી દબાણ કેટલીકવાર મુત્સદ્દીગીરીને સક્ષમ કરી શકે છે.
અમારું મનોબળ ઘટ્યું નથી: હિઝબુલ્લાહ
સાથે જ હિઝબુલ્લાએ ઈઝરાયેલને પણ પડકાર ફેંક્યો છે. હિઝબુલ્લાએ કહ્યું છે કે તે લડાઈ માટે તૈયાર છે, 2006ના યુદ્ધની જેમ ઈઝરાયેલને ફરી એકવાર હારનો સામનો કરવો પડશે. હિઝબુલ્લાહના ડેપ્યુટી ચીફ નઈમ કાસિમે કહ્યું છે કે ઘણા નેતાઓને ગુમાવવા છતાં અમારું મનોબળ ઓછું નથી થયું. અમારા રોકેટ અને મિસાઈલ હુમલા ઈઝરાયેલના 150 કિલોમીટરની અંદર થઈ રહ્યા છે, અમે ગ્રાઉન્ડ કોમ્બેટમાં પણ લડવા માટે તૈયાર છીએ.
હિઝબુલ્લાહના નવા નેતાની પસંદગી ટૂંક સમયમાં કરવામાં આવશે
હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહના મોત બાદ પ્રથમ વખત સંગઠનના વરિષ્ઠ નેતા તરફથી નિવેદન આવ્યું છે. નિવેદનમાં કાસિમે કહ્યું છે કે ટૂંક સમયમાં હિઝબુલ્લાહના નવા નેતાની પસંદગી કરવામાં આવશે. દરમિયાન, લેબનોન બોર્ડર પર ઇઝરાયલી દળોનો જમાવડો વધી રહ્યો છે, સોમવારે ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાન યોવ ગાલાંટ ત્યાં પહોંચ્યા અને સૈનિકોને સંબોધિત કર્યા.
યુદ્ધના ખતરા વચ્ચે લેબનોને ઈઝરાયેલની સરહદથી પાંચ કિલોમીટર દૂર પોતાની સેના પાછી ખેંચી લીધી છે. રશિયાએ પશ્ચિમ એશિયામાં મોટા યુદ્ધનો ભય પણ વ્યક્ત કર્યો છે.