North Korea: ઉત્તર કોરિયાએ બુધવારે દાવો કર્યો હતો કે તેણે નવી ઇન્ટરમીડિયેટ રેન્જ હાઇપરસોનિક બેલિસ્ટિક મિસાઇલ (IRBM)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. તેમણે કહ્યું કે દેશમાં વિકસિત તમામ મિસાઈલો હવે ઘન ઈંધણ અને પરમાણુ હથિયારોની ક્ષમતાથી સજ્જ છે. કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી (KCNA) અનુસાર, ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉને મંગળવારે હ્વાસોંગ-16 મિસાઈલના પરીક્ષણનું માર્ગદર્શન આપ્યું હતું.
ગયા મહિને ઉત્તર કોરિયાએ હાઇપરસોનિક IRBM માટે ઘન-ઇંધણ એન્જિનનું પરીક્ષણ કર્યું હતું
ઉત્તર કોરિયાએ 14 જાન્યુઆરીએ મધ્યમ અંતરની હાયપરસોનિક મિસાઈલનું પરીક્ષણ કર્યાના લગભગ ત્રણ મહિના બાદ આ પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું. ન્યૂઝ એજન્સી યોનહાપે અહેવાલ આપ્યો છે કે ગયા મહિને ઉત્તર કોરિયાએ હાઇપરસોનિક IRBM માટે ઘન-ઇંધણ એન્જિનનું પરીક્ષણ કર્યું હતું.
કિમે કહ્યું કે….
કિમે Hwasong-16 મિસાઈલને “શક્તિશાળી અને વ્યૂહાત્મક રીતે આક્રમક હથિયાર” તરીકે વર્ણવ્યું હતું. KCNA અનુસાર, કિમે કહ્યું કે દેશે “ઘન-ઇંધણવાળા પરમાણુ હથિયારો વહન કરવામાં સક્ષમ વિવિધ રેન્જની તમામ મિસાઇલો પૂર્ણ કરી છે.”KCNAએ જણાવ્યું કે મંગળવારે પરીક્ષણ દરમિયાન હાઇપરસોનિક મિસાઇલ પૂર્વ સમુદ્રમાં એક હજાર કિલોમીટર સુધી ઉડાન ભરીને તેના લક્ષ્ય સુધી પહોંચી હતી.કિમે કહ્યું કે દુશ્મનોને રોકવા અને કાબૂમાં લેવા સક્ષમ હથિયારો વિકસાવવા એ આપણા દેશ માટે હાલમાં સૌથી જરૂરી કામ છે.
નોંધનીય છે કે ઉત્તર કોરિયા આ વર્ષે હથિયારોના પરીક્ષણને વેગ આપી રહ્યું છે. આમાં સમુદ્ર અને જમીન પરથી ક્રૂઝ મિસાઇલોના પ્રક્ષેપણ અને બહુવિધ રોકેટ પ્રક્ષેપકો સાથેની ફાયરિંગ કવાયતનો સમાવેશ થાય છે.