
હિટમેનનો નવો રેકોર્ડ રોહિત શર્માએ આઈપીએલમાં ધોનીનો સિક્સર રેકોર્ડ તોડ્યો ૧ સિક્સ ફટકારતાની સાથે જ રોહિતના ખાતામાં દિલ્હી સામે ૫૧ સિક્સર થઈ ગઈ છે અને તેણે ધોનીને પાછળ છોડી દીધો છે આઈપીએલ (IPL) માં હિટમેન રોહિત શર્માએ ફરી એકવાર કમાલ કરી બતાવી છે. દિલ્હી કેપિટલ્સ સામેની શાનદાર મેચમાં રોહિતે માત્ર એક જ સિક્સ ફટકારીને મહેન્દ્ર સિંહ ધોનીનો વર્ષો જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. હવે રોહિત શર્મા IPL ના ઇતિહાસમાં કોઈ એક જ વિરોધી ટીમ સામે સૌથી વધુ છગ્ગા ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયો છે. એટલું જ નહીં, તે મુંબઈ ઇન્ડિયન્સ માટે પોતાના ૬૦૦૦ રન પૂરા કરવાની પણ સાવ નજીક પહોંચી ગયો છે.
મુંબઈ અને દિલ્હી વચ્ચે રમાયેલી રોમાંચક મેચમાં રોહિત શર્માએ શાનદાર બેટિંગ કરતા ૨૬ બોલમાં ૩૫ રન બનાવ્યા હતા. આ ઇનિંગ દરમિયાન તેના બેટમાંથી ૫ ચોગ્ગા અને ૧ આસમાની સિક્સર જાેવા મળી હતી. બસ, તેને આ એક સિક્સરની જ જરૂર હતી! આ મેચ પહેલા રોહિત અને ધોની બંને દિલ્હી કેપિટલ્સ સામે ૫૦-૫૦ સિક્સર ફટકારીને બરાબરી પર હતા. પરંતુ આ ૧ સિક્સ ફટકારતાની સાથે જ રોહિતના ખાતામાં દિલ્હી સામે ૫૧ સિક્સર થઈ ગઈ છે અને તેણે ‘થાલા‘ ધોનીને આ રેકોર્ડમાં પાછળ છોડી દીધો છે.
એવું લાગે છે કે રોહિતને દિલ્હી કેપિટલ્સના બોલરોને ધોવાની કંઈક અલગ જ મજા આવે છે. આંકડા પણ આ વાતની સાક્ષી પૂરે છે.
આખી ટુર્નામેન્ટમાં દિલ્હી એ બે ટીમોમાંની એક છે જેની સામે હિટમેને IPL માં ૧૦૦૦ થી વધુ રનનો પહાડ ઊભો કર્યો છે. અત્યાર સુધીમાં રમાયેલી ૩૮ મેચોમાં તેણે દિલ્હી સામે ૧૦૯૨ રન ઝૂડી કાઢ્યા છે.
જાે આપણે દુનિયાભરના તમામ બેટ્સમેનોની વાત કરીએ, તો એક જ IPL ટીમ સામે સૌથી વધુ છગ્ગા મારવાનો ઓવરઓલ રેકોર્ડ તો હજુ પણ ‘યુનિવર્સ બોસ‘ ક્રિસ ગેલના નામે જ છે. જાેકે, રોહિત શર્મા હવે આ યાદીમાં શાનથી ત્રીજા નંબરે આવી ગયો છે.
એક જ ટીમ સામે સૌથી વધુ સિક્સર ફટકારનાર ટોપ-૪ ખેલાડીઓ:
૬૧ છગ્ગા – ક્રિસ ગેલ (વિરુદ્ધ પંજાબ કિંગ્સ)
૫૪ છગ્ગા – ક્રિસ ગેલ (વિરુદ્ધ કોલકાતા નાઈટ રાઇડર્સ)
૫૧ છગ્ગા – રોહિત શર્મા (વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ)
૫૦ છગ્ગા – એમએસ ધોની (વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ)
હિટમેન હવે વધુ એક મોટા રેકોર્ડના ઉંબરે ઊભો છે. મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમતા તેણે અત્યાર સુધીમાં ૫૯૮૯ રન બનાવી લીધા છે. તે ફ્રેન્ચાઈઝી માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી તો છે જ, પરંતુ હવે ૬૦૦૦ રનનો ઐતિહાસિક આંકડો પાર કરવાથી તે માત્ર ૧૧ રન જ દૂર છે. આગામી મેચોમાં ચાહકોને આ રેકોર્ડ પણ તૂટતો જાેવા મળી શકે છે.




