
મોસ્કોમાં ફ્લાઈટોની અવર-જવર ઠપ યુક્રેનનો રશિયા પર અત્યાર સુધીનો બીજાે સૌથી મોટો હુમલો રશિયન અધિકારીઓએ શુક્રવાર અને શનિવાર માટે યુક્રેનમાં એકતરફી યુદ્ધવિરામની જાહેરાત કરી હતી રશિયન હવાઇ સંરક્ષણ દળોએ સમગ્ર રાતમાં ૩૪૭ યુક્રેની ડ્રોન તોડી પાડયા હતાં તેમ રશિયાનાં સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે. આ એક મોટો હુમલો છે જે આ સપ્તાહની શરૂઆતમાં મોસ્કો દ્વારા કીવનાં યુદ્ધ વિરામનાં પ્રસ્તાવને ફગાવી દેવામાં આવ્યા અને રશિયાનાં આગામી વિજય દિવસ સમારંભની સુરક્ષા અંગે વધેલી તંગદિલી પછી કરવામાં આવ્યો છે. રશિયન સંરક્ષણ મંત્રાલયનાં જણાવ્યા અનુસાર મોસ્કો સહિત રશિયાનાં ૨૦થી વધારે ક્ષેત્રોમાં આવનારા ડ્રોનોને નષ્ટ કરવામાં આવ્યા છે. ચાર વર્ષથી ચાલી રહેલા યુદ્ધમાં યુક્રેનનો આ બીજાે સૌથી મોટો હવાઇ હુમલો હતો. સૌથી મોટો હુમલો ગયા વર્ષે માર્ચમાં કરવામાં આવ્યો છે. જેમાં યુક્રેને રશિયામાં ૩૮૯ ડ્રોન લોન્ચ કર્યા હતાં. રશિયાની સમાચાર એજન્સીનાં જણાવ્યા અનુસાર મોસ્કોનાં ત્રણ મુખ્ય એરપોર્ટ શેરમેતયેવો, દોમોદેદેવો અને વનુકોવોથી આવતી જતી લગભગ ૧૦૦ ફલાઇટ બપોર સુધી વિલંબિત રહી હતી અથવા રદ કરવામાં આવી હતી. આ હુમલો રશિયાનાં સૌથી મહત્ત્વપૂર્ણ વિજય દિવસ અગાઉ કરવામાં આવ્યો છે. આ દિવસ દ્વિતીય વિશ્વ યુદ્ધમાં નાઝી જર્મનીની હારની વર્ષગાંઠનાં રૂપમાં ઉજવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે રશિયન અધિકારીઓએ શુક્રવાર અને શનિવાર માટે યુક્રેનમાં એકતરફી યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. યુક્રેને પણ મંગળવાર રાતથી યુદ્ધ વિરામની જાહેરાત કરી હતી પણ ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે આ પ્રસ્તાવ પછી પણ રશિયાએ નવા હુમલા શરૂ કરી દેતા અમને જવાબી કાર્યવાહીની ફરજ પડી હતી.



