
સતત કામના દબાણ વચ્ચે ગૌતમ ગંભીરનું દર્દ છલકાયું હું ગોળી ખાવા પણ તૈયાર છું, પરંતુ ડરતો નથી ગંભીરએ જણાવ્યું હતું કે તેમની ડિક્શનરી અને વિચારધારામાં ડર નામના શબ્દ માટે કોઈ સ્થાન નથી
ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર ફરી એકવાર પોતાના બેબાક નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા છે. ન્યૂઝીલેન્ડ સામેની પાંચ મેચની T20 શ્રેણી પૂર્ણ થયા બાદ ગંભીરએ સતત વ્યસ્ત ક્રિકેટ કેલેન્ડર અને માનસિક થાક અંગે ખુલીને વાત કરી હતી. તેમણે સ્વીકાર્યું હતું કે સતત કામને કારણે તેઓ માનસિક રીતે થાક અનુભવે છે, પરંતુ દબાણ સામે ઝૂકવા તૈયાર નથી. ગંભીરએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે તેઓ ગમે તેટલું દબાણ સહન કરવા અને જરૂર પડે તો ગોળી ખાવા માટે પણ તૈયાર છે.
૧ નવેમ્બરના રોજ હેમિલ્ટનના સેડન પાર્ક ખાતે રમાયેલી પાંચમી T20 મેચ બાદ પત્રકારો સાથે વાતચીત દરમિયાન ગંભીરએ જણાવ્યું હતું કે તેમની ડિક્શનરી અને વિચારધારામાં ડર નામના શબ્દ માટે કોઈ સ્થાન નથી. અમે પ્રોફેશનલ છીએ અને બહાનાં બનાવવામાં માનતા નથી.
માનસિક થાક અંગે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે, હા, ઈમાનદારીથી કહું તો મેં માનસિક થાક અનુભવ્યો છે, પરંતુ તેને સંભાળવા માટે હું પૂરતો મજબૂત છું. હું ગમે તેટલું દબાણ સહન કરી શકું છું અને ગોળી ખાવા માટે પણ તૈયાર છું.
ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકે ગંભીર માટે વર્ષ ૨૦૨૬ વ્યસ્ત રહ્યું છે. અત્યાર સુધી તેઓ ૧૨ શ્રેણીમાં કોચિંગની જવાબદારી સંભાળી ચૂક્યા છે. ભારતીય ટીમના ત્રણેય ફોર્મેટ સાથે જાેડાયેલી જવાબદારીઓના કારણે તેમને લાંબો આરામ મળ્યો નથી.
ખેલાડીઓના વર્કલોડ મેનેજમેન્ટ માટે અલગ-અલગ ફોર્મેટમાં આરામની વ્યવસ્થા કરવામાં આવે છે, પરંતુ મુખ્ય કોચ તરીકે ગંભીરને સતત ટીમ સાથે જાેડાયેલા રહેવું પડે છે. એશિયન ગેમ્સ દરમિયાન વીવીએસ લક્ષ્મણ ભારતીય T20 ટીમ સાથે જાેડાયેલા હતા ત્યારે ગંભીર વેસ્ટ ઇન્ડિઝ સામેની ઘરઆંગણાની વનડે શ્રેણીની જવાબદારી સંભાળી રહ્યા હતા.
ન્યૂઝીલેન્ડ પ્રવાસ દરમિયાન ભારતીય ટીમના યુવા ખેલાડીઓએ કરેલા પ્રદર્શનની પણ ગંભીરએ પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ટીમના ઘણા ખેલાડીઓ પ્રથમ વખત ન્યૂઝીલેન્ડના પ્રવાસે આવ્યા હતા. લાંબી મુસાફરી બાદ સ્થાનિક પરિસ્થિતિમાં તાલમેલ સાધવા અને પ્રેક્ટિસ માટે તેમને માત્ર એક દિવસનો સમય મળ્યો હતો. આટલી ઓછી તૈયારી છતાં ન્યૂઝીલેન્ડ જેવી મજબૂત ટીમ સામે ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું તે પ્રશંસનીય છે. આ સફળતાનો શ્રેય ખેલાડીઓને જવો જાેઈએ તેમ ગંભીરએ જણાવ્યું હતું.
T20 શ્રેણી બાદ ભારતીય ટીમ સામે ન્યૂઝીલેન્ડ સામે પાંચ વનડે અને બે ટેસ્ટ મેચની આગામી શ્રેણીનો પડકાર રહેશે. આ શ્રેણીઓમાં પણ મુખ્ય કોચ તરીકે ગંભીરની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહેશે.
સતત પ્રવાસ, ત્રણેય ફોર્મેટની જવાબદારી અને પરિણામ આપવાનું દબાણ વચ્ચે ગંભીરના માનસિક થાક અંગેના નિવેદનથી ભારતીય ક્રિકેટમાં કોચના વર્કલોડ અને આરામના મુદ્દે નવી ચર્ચા શરૂ થઈ છે.




