
ન્યુઝીલેન્ડમાં ૭ વર્ષ બાદ હાર્યું ભારત ચોથી ટી-૨૦ મેચમાં ભારતની ન્યૂઝીલેન્ડની સામે કારમી હાર ન્યૂઝીલેન્ડે ૭ વિકેટ ગુમાવીને ૨૫૯ રન બનાવ્યા હતા, જવાબમાં ભારતીય ટીમ ૧૭૨ રન જ બનાવી શકી હતી ચોથી ટી-૨૦ મેચમાં ભારતીય ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. પ્રથમ બોલરોએ ભારતની મુશ્કેલીઓ વધારી અને ત્યારબાદ બેટ્સમેનોએ પણ નિરાશ કર્યા હતા. ન્યૂઝીલેન્ડને ઘરઆંગણે ભારત સામે ટી-૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સાત વર્ષ બાદ જીત મળી છે. ઓકલેન્ડમાં રમાયેલી આ મેચમાં ગ્લેન ફિલિપ્સની તોફાની સદીની મદદથી ન્યૂઝીલેન્ડે ૨૦ ઓવરમાં ૭ વિકેટ ગુમાવીને ૨૫૯ રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય બેટ્સમેનો ખાસ કમાલ કરી શક્યા નહોતા અને આખી ટીમ માત્ર ૧૭૨ રન જ બનાવી શકી હતી. આ રીતે ન્યૂઝીલેન્ડે ચોથી ટી-૨૦ મેચ ૮૭ રનથી જીતી લીધી હતી. ઓકલેન્ડમાં ભારતની આ પ્રથમ હાર છે. બીજી તરફ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વર્ષ ૨૦૧૯ બાદ ન્યૂઝીલેન્ડની ધરતી પર ભારત પ્રથમ વખત હાર્યું છે.
ચોથી ટી-૨૦ મેચમાં પણ ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો ર્નિણય લીધો હતો. જાેકે, આ વખતે ભારતીય બોલરો સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા હતા. ગ્લેન ફિલિપ્સે ૪૯ બોલમાં ૧૦૭ રન અને માઇકલ બ્રેસવેલે ૨૫ બોલમાં ૬૫ રનની તોફાની ઇનિંગ રમીને ઇતિહાસ રચ્યો હતો. ન્યૂઝીલેન્ડે ટી-૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાનો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર ૨૫૯/૭ નોંધાવ્યો હતો. ત્યારબાદ બોલિંગમાં જેકબ ડફીએ કમાલ કરી હતી. તેણે ૪ ઓવરમાં ૨૩ રન આપીને ૪ વિકેટ ઝડપી હતી.
૨૬૦ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત જ અત્યંત ખરાબ રહી હતી. સંજુ સેમસન માત્ર ૨ બોલમાં ૪ રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે ઈશાન કિશન પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો નહોતો.
જેકબ ડફીએ તેને શૂન્ય રને પેવેલિયન પરત મોકલ્યો હતો. માત્ર ૪ રનમાં ૨ વિકેટ ગુમાવ્યા બાદ ભારતની તમામ આશા અભિષેક શર્મા અને કેપ્ટન શ્રેયસ અય્યર પર હતી. બંનેએ સારી શરૂઆત કરી હતી, પરંતુ મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યા હતા.
અભિષેક શર્મા ૧૫ બોલમાં ૩ ચોગ્ગા અને ૧ છગ્ગાની મદદથી ૨૭ રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે શ્રેયસ અય્યર ૧૧ બોલમાં ૪ ચોગ્ગાની મદદથી ૨૨ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. પાવરપ્લેમાં જ ભારતીય ટીમે ૪ મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. આ સાથે જ ભારતની જીતની આશા પણ લગભગ સમાપ્ત થઈ ગઈ હતી.
ત્યારબાદ પ્રમોટ કરીને બેટિંગમાં મોકલવામાં આવેલા અક્ષર પટેલ પણ ખાસ કંઈ કરી શક્યા નહોતા. તેણે ૯ બોલમાં માત્ર ૭ રન બનાવ્યા હતા. નીતિશ કુમાર રેડ્ડીએ ૧૦ બોલમાં ૨ છગ્ગાની મદદથી ૨૧ રનની ઇનિંગ રમી હતી. આઠમા ક્રમે બેટિંગ કરવા આવેલા નમન ધીરે ૧૩ બોલમાં ૨ ચોગ્ગા અને ૨ છગ્ગાની મદદથી ૨૮ રન બનાવ્યા હતા.
તિલક વર્મા ધીમી ગતિએ બેટિંગ કરતા અંત સુધી ક્રિઝ પર ટકી રહ્યો હતો. તેણે ૩૫ બોલમાં માત્ર ૩૫ રન બનાવ્યા હતા. જાેકે, તેની ઇનિંગને કારણે હારનું અંતર થોડું ઓછું થયું હતું. બીજી તરફ, પ્રિન્સ યાદવ ૧૭ બોલમાં ૧૮ રન બનાવીને અણનમ રહ્યો હતો. ભારતીય ટીમ ૨૦ ઓવરમાં ૯ વિકેટ ગુમાવીને માત્ર ૧૭૨ રન જ બનાવી શકી હતી. આ સાથે ન્યૂઝીલેન્ડે ૮૭ રનથી શાનદાર જીત મેળવીને સિરીઝની ચોથી મેચ પોતાના નામે કરી હતી.




