
સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી, કહ્યું – વિમાનમાં મુસાફરી ન કરો દિવાળીમાં ફ્લાઇટ ટિકિટના ભાવમાં ૭૦૦% સુધીનો ઉછાળો આ મામલે તાત્કાલિક સુનાવણી કરવાની અરજદારની માગ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી
દિવાળીના તહેવાર દરમિયાન હવાઈ મુસાફરી કરવાનું આયોજન કરતા મુસાફરો માટે ફ્લાઇટ ટિકિટના આસમાને પહોંચેલા ભાવ ચિંતાનો વિષય બન્યા છે. ખાનગી એરલાઇન્સ દ્વારા તહેવારો દરમિયાન ટિકિટના ભાવમાં સામાન્ય ભાડાની સરખામણીએ ૭૦૦ ટકા સુધીનો વધારો કરવામાં આવતો હોવાના આક્ષેપ સાથે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવામાં આવી હતી. જાેકે, આ મામલે તાત્કાલિક સુનાવણી કરવાની અરજદારની માગ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી.
સુનાવણી દરમિયાન જસ્ટિસ વિક્રમ નાથે ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, ‘વિમાનમાં મુસાફરી ન કરો.‘ આ ટિપ્પણી બાદ બેન્ચે આગામી કેસ હાથ ધર્યો હતો. આ ઘટનાએ તહેવારો દરમિયાન હવાઈ ભાડાંના નિયંત્રણ અને સામાન્ય મુસાફરોના હિત અંગે નવી ચર્ચા જગાવી છે.
અરજદારે પોતાની અરજીમાં દલીલ કરી હતી કે દિવાળી, અન્ય તહેવારો, રજાઓ અને કટોકટીના સમયમાં ખાનગી એરલાઇન્સ દ્વારા ટિકિટના ભાવમાં અસાધારણ વધારો કરવામાં આવે છે. સામાન્ય મુસાફરો માટે હવાઈ મુસાફરી મોંઘી બનતી હોવાથી ભાડા પર યોગ્ય મર્યાદા નક્કી કરવાની જરૂરિયાત છે.
અરજીમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે હવાઈ મુસાફરી આવશ્યક સેવા બની રહી છે અને મનસ્વી ભાડા વધારો ભારતીય બંધારણની કલમ ૧૪ હેઠળ મળતા સમાનતાના અધિકારને અસર કરી શકે છે.
આ મામલે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને અગાઉ જણાવ્યું હતું કે ભારતીય વાયુયાન અધિનિયમ, ૨૦૨૪ હેઠળ હવાઈ ભાડાના નિયમન માટે નવા નિયમો તૈયાર કરવામાં આવ્યા છે અને તેને વહીવટી મંજૂરી મળી ગઈ છે.
પ્રસ્તાવિત નિયમો હેઠળ અસાધારણ પરિસ્થિતિઓમાં અને જાહેર હિતને ધ્યાનમાં રાખીને સરકારને એરલાઇન્સના ટિકિટ ભાડામાં હસ્તક્ષેપ કરવાની સત્તા મળી શકે છે. જાે આ નિયમો અસરકારક રીતે અમલમાં આવે તો તહેવારો દરમિયાન થતી અતિશય ભાડા વધારાની સમસ્યાને નિયંત્રિત કરવામાં મદદ મળી શકે છે.
હવાઈ ભાડાંમાં વધારા પાછળ એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) ના ઊંચા ભાવ પણ એક મહત્ત્વપૂર્ણ પરિબળ છે. વૈશ્વિક સ્તરે પશ્ચિમ એશિયાના સંઘર્ષ અને હોર્મુઝની સામુદ્રધુનીમાં વધતા તણાવને કારણે ક્રૂડ ઓઇલના પુરવઠા અને ભાવમાં અસ્થિરતા જાેવા મળી રહી છે.
એરલાઇન્સના કુલ ઓપરેટિંગ ખર્ચમાં ઇંધણનો હિસ્સો અંદાજે ૩૨ ટકા જેટલો હોય છે. તેથી ક્રૂડ ઓઇલ અને ATF ના ભાવ વધે ત્યારે એરલાઇન્સના ખર્ચમાં પણ વધારો થાય છે.
ઇન્ડિગોના CEO વિલી વોલ્શે જણાવ્યું છે કે ATF ના ઊંચા ભાવને કારણે એરલાઇન્સ પર નાણાકીય દબાણ વધી રહ્યું છે. કંપની વધતા ખર્ચનો કેટલોક હિસ્સો પોતે સહન કરવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ લાંબા સમય સુધી આ શક્ય બની શકે તેમ નથી.
હવે ૧૬ નવેમ્બરે સુપ્રીમ કોર્ટમાં થનારી આગામી સુનાવણી મહત્ત્વપૂર્ણ બની રહેશે. કેન્દ્ર સરકાર નવા નિયમો રજૂ કરે ત્યારબાદ હવાઈ ભાડાં પર નિયંત્રણ માટે કયા પ્રકારનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે તે સ્પષ્ટ થશે.




