
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા) સુરત
દિવાળીના તહેવારોમાં જે પ્રમાણે ઉમંગ અને ઉત્સાહ હોવો જોઈએ એ હવે પ્રજા માટે જાણે કે ભૂતકાળ બની ગયો છે. એની સામે હાલની આ દિવાળીમાં બજારોમાં ગ્રાહકોના ટોળાં દેખાય છે. પરંતુ એમાં લેનારા ગ્રાહકો કેટલા? એમાં પાછા લેનાર એક હોય અને સાથે ૬ જણા હોય એટલે ભીડ દેખાય પણ ખરેખર ગ્રાહક ના દેખાય અને એમાંય હવે ખાસ કરી જરૂરિયાતવાળી વસ્તુઓ જ વત્તા ઓછા ભાવ કરી ને ગ્રાહક ખરીદે છે. જે પહેલાં આડેઅડ ખરીદી કરાતી અને બિનજરૂરી ચીજો ખરીદાતીએ હવે બંધ થઈ ગઈ છે. કારણ કે હાલની આ મંદી અને એમાંય જીવનજરૂરી ચીજોના, શાકભાજી સહિત તમામ ઘરેલું ચીજો વસ્તુઓના વધેલા ભાવોએ પ્રજાની કમર તોડી નાંખી છે. આ તો વાત થઈ ના છૂટકે બહાર નીકળી ખરીદાતી ચીજોની, પરંતુ હવે પહેલાં જેવી મહિલાઓ વાતે વાતે બજારમાં ખરીદી કરવા નીકળતી એ હવે બંધ થઈ ગઈ છે. કારણ મીઠાથી માંડી શાકભાજી અને બુટ ચંપલથી માંડી જોઈએ એવા અને જોઈએ એ બ્રાન્ડના રેડીમેડ કપડાં જો ઘર બેઠા અને એ પણ બજારો કરતાં ક્વાલિટીમાં સારા અને કિંમતમાં વ્યાજબી ભાવે ઓનલાઇન ખરીદીથી ઘેર બેઠા મળતા હોય તો પછી પેટ્રોલના ધુમાડા કરી ટ્રાફિકમાં નીકળવાનું કોણ પસંદ કરશે?
એટલે એટલું ચોક્કસ કહી શકાય કે ઈ-કોમર્સનો વ્યાપ વધતાં ફિઝીકલ બજારોમાંથી ખરીદી એટલે કે બજારોમાં જઈને રૂબરૂ ખરીદનારાની સંખ્યા ઘટતી જાય છે. ઉપરાંત, ઓનલાઇન ચીજો ઉપર કેશ બેક જેવી સિસ્ટમ જાહેર બજારોમાં ક્યારેય જોવા મળી નહોતી. જેમ ખુલ્લા બજારોમાં સેલ જોવા મળે છે એમ ઈ-કોમર્સ સાઈટો (ઓનલાઈન) ખરીદી પર પણ સેલના બેનરો મુકતી થઈ ગઈ છે. પરિણામો સૂચવે છે કે ગ્રાહકો કિંમતો, પ્રોડક્ટની ઉપલબ્ધતા અને વધારાના ચાર્જના આધારે તહેવારોની ખરીદી માટે પ્લેટફોર્મ બદલી શકે છે. આમ, પરિણામો દર્શાવે છે કે ગ્રાહકો આ પ્લેટફોર્મનો ઉપયોગ મોટા ખરીદીના બાસ્કેટને બદલે મુખ્યત્વે દૈનિક આવશ્યકતાઓ અને તહેવારોની નાની ખરીદી કરી મોંઘવારી અને મંદીમાં પણ આનંદ લઈ રહ્યા છે.




