
યશના રાવણે દર્શકોનાં દિલ જીત્યાં ‘રામાયણ’નો વિશ્વભરમાં જયજયકાર, રણબીર-સાઈના અભિનયનાં પણ વખાણ ભવ્ય વિઝ્યુઅલ્સ અને જાેરદાર એક્શનથી દર્શકો પ્રભાવિત, યશની એન્ટ્રી બની ફિલ્મનું મુખ્ય આકર્ષણ
લાંબા સમયથી દર્શકો જેની આતુરતાથી રાહ જાેઈ રહ્યા હતા તે રણબીર કપૂર અભિનીત ‘રામાયણ: પાર્ટ ૧’ આજે વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. નિતેશ તિવારીના દિગ્દર્શનમાં બનેલી આ પૌરાણિક ફિલ્મને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન શ્રીરામ, સાઈ પલ્લવી માતા સીતા અને યશ રાવણની ભૂમિકામાં છે. રિલીઝ બાદ ફિલ્મ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહી છે અને શરૂઆતના પ્રતિસાદમાં ભવ્ય દૃશ્યો, વિઝયુઅલ ઇફેક્ટ્સ, એક્શન તથા કલાકારોના અભિનયની પ્રશંસા થઈ રહી છે. ફિલ્મના પ્રથમ ભાગમાં યશના રાવણના પાત્રને ખાસ ચર્ચા મળી રહી છે. દર્શકોના મતે યશની સ્ક્રીન પર એન્ટ્રી અને શક્તિશાળી વ્યક્તિત્વ ફિલ્મના મુખ્ય આકર્ષણોમાં સામેલ છે. અનેક દર્શકોએ તેના અભિનયને પ્રભાવશાળી ગણાવ્યો છે. ફિલ્મના કેટલાક દૃશ્યો દરમિયાન થિયેટરોમાં દર્શકોની તાળીઓ, ઉત્સાહ અને ‘જય શ્રીરામ’ના નારા સંભળાતા હોવાના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પ્રારંભિક પ્રતિક્રિયાઓમાં ફિલ્મને ભવ્ય સિનેમેટિક અનુભવ ગણાવવામાં આવી છે. વિદેશી મીડિયા તરફથી પણ ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો છે. બ્રિટિશ અખબાર ‘ધ ગાર્ડિયન’એ ફિલ્મને ૫માંથી ૪ સ્ટાર આપ્યા હોવાનું અહેવાલમાં જણાવાયું છે. ફિલ્મની ભવ્યતાની સરખામણી ‘ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ’ અને ‘ધ લાયન કિંગ’ જેવી ફિલ્મો સાથે કરવામાં આવી રહી છે. ફિલ્મના ખાસ સ્ક્રીનિંગમાં હાજર રહેલી અભિનેત્રી પ્રજ્ઞા જયસ્વાલે ‘રામાયણ’ને ભારતીય સિનેમા માટે મહત્ત્વપૂર્ણ ફિલ્મ ગણાવી હતી. તેણે રણબીર કપૂર, રવિ દુબે, સાઈ પલ્લવી અને રકુલ પ્રીત સિંહના અભિનયની પ્રશંસા કરી હતી. તેના મતે રણબીરનું શ્રીરામ તરીકેનું પાત્ર દિવ્ય, યશનું રાવણ સ્વરૂપ ભવ્ય અને શક્તિશાળી, જ્યારે રવિ દુબેનું લક્ષ્મણ પાત્ર આકર્ષક તથા હળવા હાસ્યથી ભરપૂર છે. સાઈ પલ્લવીની રજૂઆતમાં ગૌરવ અને પવિત્રતા જાેવા મળતી હોવાનું પણ તેણે જણાવ્યું હતું. કન્ટેન્ટ ક્રિએટર અને અભિનેતા આશિષ ચંચલાનીએ પણ ફિલ્મની પ્રશંસા કરતાં તેને ભવ્ય સ્તરની બ્લોકબસ્ટર ગણાવી હતી. તેણે નિતેશ તિવારીના દિગ્દર્શન, કલાકારોની પસંદગી અને નિર્માતા નમિત મલ્હોત્રાના વિઝ્યુઅલ પ્રયાસોને બિરદાવ્યા હતા. આશિષના જણાવ્યા અનુસાર, જટાયુ અને રાવણ વચ્ચેના યુદ્ધના દૃશ્યે તેને ભાવુક કરી દીધો હતો. ‘રામાયણ’ના બોક્સ ઓફિસ પ્રદર્શન પર પણ ફિલ્મજગતની નજર છે. અહેવાલ મુજબ, આશરે રૂપિયા ૪,૦૦૦ કરોડના વિશાળ બજેટમાં બનેલી આ ફિલ્મ પ્રથમ દિવસે જ મોટી કમાણી કરવાની ક્ષમતા ધરાવે છે.




