
સુપ્રીમ કોર્ટની રેસ્ટોરન્ટ માલિકોને રાહત નહીં સોમનાથ મંદિર આસપાસ નોનવેજ પર પ્રતિબંધ યથાવત્ ગુજરાત હાઈકોર્ટને વહેલી તકે અંતિમ ર્નિણય લેવા તાકીદ, દિવાળીમાં મીઠાઈ ખાઈ ઉજવણી કરવાની હળવી ટકોર પ્રભાસ પાટણ સ્થિત વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરની આસપાસના વિસ્તારમાં માંસાહારી ખાદ્યપદાર્થોના વેચાણ, બનાવટ અને સંગ્રહ પર લાદવામાં આવેલા પ્રતિબંધના મામલે સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના આદેશમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો છે. આથી હાલ પૂરતો પ્રતિબંધ યથાવત્ રહેશે. જાેકે, આ મામલે ગુજરાત હાઈકોર્ટને વહેલી તકે અંતિમ ર્નિણય લેવા સુપ્રીમ કોર્ટે તાકીદ કરી છે. સોમનાથ મંદિર આસપાસના વિસ્તારમાં માંસાહારી ખોરાક પર પ્રતિબંધ મૂકવાના જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશને સ્થાનિક રેસ્ટોરન્ટ સંચાલકોએ ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો. ત્યારબાદ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. સુનાવણી દરમિયાન રેસ્ટોરન્ટ માલિકો તરફથી દલીલ કરવામાં આવી હતી કે દેશમાં મોટી સંખ્યામાં લોકો માંસાહાર કરે છે અને પ્રતિબંધને કારણે તેમના વ્યવસાય પર ગંભીર અસર પડી રહી છે. આ પ્રતિબંધના કારણે રેસ્ટોરન્ટનો ધંધો બંધ કરવાની નોબત આવી શકે તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી હતી કે દરેક બાબતમાં સંતુલન જાળવવું જરૂરી છે. કોર્ટે ગુજરાત હાઈકોર્ટને આ મામલે ઝડપી સુનાવણી કરીને અંતિમ ર્નિણય લેવા અનુરોધ કર્યો હતો. સુનાવણી દરમિયાન ન્યાયાધીશોએ હળવી ટકોર કરતાં દિવાળીના તહેવાર નિમિત્તે મીઠાઈ ખાઈને ઉજવણી કરવાની વાત પણ કરી હતી. આ ટિપ્પણીને પગલે કેસની સુનાવણી ચર્ચામાં આવી છે. આ સમગ્ર વિવાદનો પ્રારંભ ગત ૧૦ ઓગસ્ટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરાયેલા આદેશથી થયો હતો. આ આદેશ હેઠળ સોમનાથ મંદિરની આસપાસના ૫૦૦ મીટરના વિસ્તારમાં દુકાનો, રેસ્ટોરન્ટ અને રસ્તા કિનારે માંસાહારી વાનગીઓ બનાવવી, વેચવી અને તેનો સંગ્રહ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશ સામે રેસ્ટોરન્ટ સંચાલકોએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. ૩૦ ઓક્ટોબરના રોજ હાઈકોર્ટની સિંગલ બેન્ચે અરજી સ્વીકારી રાજ્ય સરકાર પાસે જવાબ માગ્યો હતો. રાજ્ય સરકાર તરફથી દલીલ કરવામાં આવી હતી કે ધાર્મિક સ્થળોની આસપાસ માંસાહારી ખોરાકના કારણે શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણી દુભાઈ શકે છે અને તેમને અસુવિધા થઈ શકે છે. હાઈકોર્ટની સિંગલ બેન્ચ દ્વારા પ્રતિબંધ હટાવવા અંગે આદેશ કરાયા બાદ ડિવિઝન બેન્ચે તેના અમલ પર સ્ટે આપ્યો હતો. પરિણામે પ્રતિબંધનો મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. હવે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશમાં હસ્તક્ષેપ નહીં કરતાં હાલની સ્થિતિ યથાવત્ રહી છે. જાેકે, પ્રતિબંધ અંગેનો અંતિમ ર્નિણય ગુજરાત હાઈકોર્ટની આગામી સુનાવણી બાદ જ સ્પષ્ટ થશે.




