
ધરોઈ ડેમમાંથી ખેડૂતો માટે ખુશખબર.૫થી ૧૦ નવેમ્બર દરમિયાન સિંચાઈનું પાણી છોડાશે.એક વર્ષ સુધી પીવાના પાણીની અછત નહીં સર્જાય.ગુજરાતમાં આ વર્ષે ઓછા વરસાદ અને અલનીનોની અસરને કારણે જળસંકટની ચિંતા વધી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં ખેડૂતો સિંચાઈ માટે પાણી મેળવવા મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે મહેસાણા જિલ્લાના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ખેડૂતોની સતત માગને ધ્યાનમાં રાખીને ધરોઈ ડેમમાંથી ૫થી ૧૦ નવેમ્બર દરમિયાન ખેતી માટે સિંચાઈનું પાણી છોડવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ર્નિણયથી પાણીની અછતનો સામનો કરી રહેલા ખેડૂતોને મોટી રાહત મળવાની આશા છે.
ધરોઈ ડેમના કાર્યપાલક ઇજનેર સુમિત પટેલના જણાવ્યા અનુસાર, હાલમાં ધરોઈ જળાશયમાં કુલ ક્ષમતાના આશરે ૫૧ ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. ઉપલબ્ધ પાણીના આયોજનબદ્ધ ઉપયોગને ધ્યાનમાં રાખીને પીવાના પાણીનો જથ્થો અલગથી સુરક્ષિત રાખવામાં આવ્યો છે.
તેમણે સ્પષ્ટતા કરી હતી કે ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવશે તેમ છતાં આગામી એક વર્ષ સુધી પીવાના પાણીની કોઈ મુશ્કેલી ઊભી થવાની શક્યતા નથી. પીવાના પાણીની જરૂરિયાતને પ્રાથમિકતા આપીને તેનો જથ્થો રિઝર્વ રાખવામાં આવ્યો છે.
ચાલુ મોસમમાં ઓછા વરસાદને કારણે મહેસાણા સહિત ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ખેતીના પાકને અસર થઈ છે. પૂરતા પ્રમાણમાં વરસાદ ન થતાં જમીનમાં ભેજનું પ્રમાણ ઘટ્યું છે અને ખેડૂતોને પાક બચાવવા માટે વધારાના પાણીની જરૂરિયાત ઊભી થઈ છે.
ખેડૂતો દ્વારા ધરોઈ ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવાની સતત માગ કરવામાં આવી રહી હતી. આ બાબતે ખેડૂતો સાથે સંકલન કરીને ૫થી ૧૦ નવેમ્બર દરમિયાન પાણી છોડવાનું આયોજન કરવામાં આવ્યું છે. સમયસર સિંચાઈનું પાણી મળવાથી ખેડૂતોને ઊભા પાકને બચાવવામાં મદદ મળશે.
બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા સહિતના વિસ્તારોમાં ઓછા વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. પાણીની અછત વચ્ચે ખેતીનો ખર્ચ વધવાની અને પાકના ઉત્પાદન પર અસર થવાની ભીતિ પણ સેવાઈ રહી છે.ધરોઈ ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવાના ર્નિણયથી ખાસ કરીને મહેસાણા જિલ્લાના ખેડૂતોને રાહત મળવાની આશા છે. જાેકે, ઉપલબ્ધ જળજથ્થાને ધ્યાનમાં રાખીને પાણીનો યોગ્ય અને કરકસરપૂર્વક ઉપયોગ કરવો પણ એટલો જ જરૂરી રહેશે.ધરોઈ ડેમના જળજથ્થાનું આયોજન કરતી વખતે પીવાના પાણીની જરૂરિયાતને સુરક્ષિત રાખવાની સાથે ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આગામી એક વર્ષ માટે પીવાનું પાણી રિઝર્વ હોવાની તંત્રની સ્પષ્ટતાથી સ્થાનિક લોકોમાં પણ રાહત જાેવા મળી રહી છે.




