
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહનું મોટું નિવેદન યુદ્ધ હવે માત્ર સરહદો પર નહીં, સોશિયલ મીડિયા પર પણ લડાય છે રાજનાથ સિંહે સિલીગુડીમાં સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી; ડ્રોન હુમલા, સાયબર એટેક અને દુશ્મન દેશોની ભ્રામક માહિતી સામે સતર્ક રહેવા આપી સલાહ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સિલીગુડી ખાતે ભારતીય સેના અને વાયુસેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. આ પ્રસંગે બાગડોગરા એરફિલ્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તેમણે બદલાતા વૈશ્વિક સુરક્ષા પરિદૃશ્ય અને યુદ્ધની નવી વ્યૂહરચનાઓ અંગે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આજના સમયમાં યુદ્ધ માત્ર સરહદો સુધી સીમિત રહ્યું નથી, પરંતુ સોશિયલ મીડિયા, સાયબર જગત અને આધુનિક ટેકનોલોજી પણ યુદ્ધના નવા મોરચા બની રહ્યાં છે. રાજનાથ સિંહે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં પ્રોક્સી વોર, નેરેટિવ મેનેજમેન્ટ, ડ્રોન હુમલા અને સાયબર એટેક જેવા પડકારો સતત વધી રહ્યા છે. દુશ્મન દેશો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને ભ્રામક માહિતી અને અફવાઓ ફેલાવવાનો પ્રયાસ કરે છે. આવી પ્રવૃત્તિઓ દ્વારા લોકોમાં ગેરસમજ અને અશાંતિ ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે હવે સુરક્ષાના પડકારોનો સામનો કરવા માટે પરંપરાગત સૈન્ય તાકાતની સાથે માહિતી અને ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ સજ્જ રહેવું જરૂરી છે. સંરક્ષણ મંત્રીએ જવાનોને દરેક પરિસ્થિતિમાં સતર્ક રહેવાની સલાહ આપી હતી. તેમણે ડ્રોન ઓપરેશન શીખવા અને સાયબર સુરક્ષા અંગે જાગૃતિ કેળવવા માટે જવાનો દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી.
તેમણે વધુમાં કહ્યું હતું કે ટેકનોલોજી ભલે ગમે તેટલી વિકસિત થાય, પરંતુ તે સૈનિકોના શિસ્ત, સમર્પણ અને હિંમતનું સ્થાન ક્યારેય લઈ શકે નહીં. દેશની સુરક્ષામાં જવાનોની ભૂમિકા હંમેશાં સર્વોપરી રહેશે. રાજનાથ સિંહે સિલીગુડી અને પૂર્વોત્તર ભારતના વિસ્તારને દેશની સુરક્ષાની દૃષ્ટિએ અત્યંત મહત્ત્વપૂર્ણ ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ વિસ્તારમાં તૈનાત ભારતીય વાયુસેનાના જવાનો સમગ્ર પ્રદેશની સુરક્ષા માટે મજબૂત ઢાલ સમાન છે. તેમણે જવાનોને સ્થાનિક નાગરિકો સાથે સતત સંપર્ક અને સારો તાલમેલ જાળવી રાખવા પણ અપીલ કરી હતી. સ્થાનિક લોકો સાથે મજબૂત જાેડાણ રાખવાથી આસપાસની શંકાસ્પદ પ્રવૃત્તિઓ અને સુરક્ષાને લગતી માહિતી સમયસર મળી શકે છે.
દિવાળીના આ કાર્યક્રમ દરમિયાન રાજનાથ સિંહે જવાનો અને તેમના પરિવારોને તહેવારની શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે તેમણે એર ચીફ માર્શલ આશુતોષ દીક્ષિતને નવા પદભાર માટે અભિનંદન પણ પાઠવ્યા હતા. સંરક્ષણ મંત્રીનું આ નિવેદન સ્પષ્ટ કરે છે કે આધુનિક યુગમાં દેશની સુરક્ષા માટે સરહદોની રક્ષા કરવાની સાથે ડિજિટલ અને માહિતીના મોરચે પણ સજ્જ રહેવું એટલું જ જરૂરી બની ગયું છે.




