
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત.
વિશ્વની ટોચની કંપનીઓની અબજોમાં કમાણી હોવા છતાં સને ૨૦૨૬ના શરૂઆતના ૮ માસમાં જ બે લાખથી વધુ લોકોની જોબ રાતોરાત આંચકી લેનાર ટોચની કંપનીઓ જોબ ક્ષેત્રે બદનામ થઈ હતી. કંપનીમાં જોડાવા માંગતા નવા લોકો જોબ સિક્યોરીટી માટે આગ્રહ કરવા લાગ્યા હતા. વર્ષ ૨૦૨૬માં વૈશ્વિક સ્તરે ટેકનોલોજી અને અન્ય ક્ષેત્રોમાં મોટા પાયે છટણી (છૂટા કરવા) જોવા મળી છે. જેમાં ૨,૦૦,૦૦૦ (બે લાખથી) વધુ કર્મચારીઓએ પોતાની નોકરી ગુમાવી હતી. જ્યારે ભારતની વાત કરીએ તો ભારતના આઈટી (ઇન્ફોર્મેશન ટેકનોલોજી) ક્ષેત્રમાં આ વર્ષે સાયલન્ટ પરફોર્મન્સ, વહીવટી ફેરફાર જેવા કારણો આગળ ધરીને ૨૫,૦૦૦ થી ૩૫,૦૦૦ જેટલા લોકોને ઘરભેગા કરી દેવાયા હતા. આ કંપનીઓ બહુ ઉસ્તાદ છે. એક સમયે લોકોને રાતોરાત જોબ વિહોણા બનાવી દેનાર કંપનીઓ હવે સ્વૈચ્છિક નિવૃત્તિ માટે વિવિધ સ્કીમો ઓફર કરવામાં પણ સ્પર્ધા કરી રહી છે અને તે રીતે જોબ ક્ષેત્રે તેમની ખાડે ગયેલી ઇમેજને સુધારવા પ્રયાસ કરી રહી છે. ટૂંકમાં કંપની સ્ટાફને રાતોરાત ખાલી હાથે નથી કાઢતા પણ તમે કોઈ આર્થિક સમસ્યામાં ફસાઈ ના જાવ તેનું પણ ધ્યાન રાખે છે તેવો મેસેજ જોબ માર્કેટમાં આપવા માંગે છે.
અહીં દરેક કંપનીઓની સ્વૈચ્છિક નિવૃત્તિની શરતો અલગ હોય છે પરંતુ મોટાભાગની શરતો એક સમાન જોવા મળે છે જેમ કે કર્મચારીઓને સેવાના દરેક વર્ષ માટે સવા બે મહિનાનો પગાર આપવામાં આવશે. આમ કેટલીક કંપનીઓએ ઇમેલ પર જાણ કરીને જોબ આંચકી લીધી હતી તો કેટલીક કંપનીઓએ કંપનીના દરવાજાની બહાર યાદી લટકાવીને તેમને પ્રવેશતા અટકાવી દીધા હતા. જેમની જોબ આંચકી લેવાતી હતી તે કાયદેસર કશું કરી શકતા નહોતા, કેમ કે જોબ મેળવતી વખતે કેટલીક શરતોમાં સહી કરાવીને કંપનીએ હાથ કાંડા કાપી નાંખ્યા હતા.




