
૧૨ વર્ષના નુકસાનની ભરપાઈ કરવામાં સમય લાગશે પુસ્તક રિલીઝ પહેલાં સોનિયા ગાંધીનો ભાજપ સરકાર પર આકરા પ્રહાર સરકાર બદલાયા બાદ દેશમાં સુશાસનની વાપસી થશે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે છેલ્લા ૧૨ વર્ષમાં દેશની લોકશાહી વ્યવસ્થા, સામાજિક માળખા અને બંધારણીય સંસ્થાઓને ભારે નુકસાન થયું છે. અંગ્રેજી અખબાર ‘ધ હિન્દુ’ને આપેલા વિશેષ ઇન્ટરવ્યૂમાં તેમણે આ વાત કહી છે, જે તેમનું આગામી પુસ્તક ‘Belonging: A Journey of Love’ (હાર્પરકોલિન્સ ઇન્ડિયા દ્વારા ૧૦ નવેમ્બરે પ્રકાશિત થનાર) ના પ્રકાશન પહેલાં સામે આવ્યું છે. સોનિયા ગાંધીએ ઉમેર્યું હતું કે હવે સામાન્ય લોકોને પણ આ નુકસાનનો અહેસાસ થવા લાગ્યો છે અને વર્તમાન પરિસ્થિતિને લઈને તેમનામાં બેચેની વધી રહી છે. સરકાર બદલાયા બાદ દેશમાં સુશાસનની વાપસી થશે તેવી આશા વ્યક્ત કરતા તેમણે સ્પષ્ટ કર્યું હતું કે લોકશાહી સંસ્થાઓને ફરીથી પૂર્વવત અને મજબૂત બનાવવામાં સમય લાગશે, જેના માટે તમામ રાજકીય પક્ષોએ સામૂહિક પ્રયાસો કરવા પડશે. ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે આરોપ લગાવ્યો હતો કે કેન્દ્ર સરકાર આવ્યા બાદ વિપક્ષને ચૂંટણી લડવા માટે સમાન તક મળી રહી નથી અને ચૂંટણી પંચ તથા મુખ્યધારાના મીડિયા પર સરકારનું સંપૂર્ણ નિયંત્રણ છે. તેમ છતાં, કોંગ્રેસ પાર્ટી ગામડાંથી લઈને જિલ્લા સ્તર સુધી મક્કમતાથી સંઘર્ષ કરી રહી છે અને સમાન વિચારધારા ધરાવતા પક્ષો સાથે મળીને કામ કરી રહી છે. તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે કોંગ્રેસે ભાજપ અને RSS સાથે ક્યારેય સમજૂતી કરી નથી અને ભવિષ્યમાં પણ નહીં કરે. આ ઉપરાંત, તેમણે ૨૦૦૪માં વડાપ્રધાન પદ ન સ્વીકારવાનો ર્નિણય, મનમોહન સિંહ સાથેની ટીમ વર્કવાળી કાર્યશૈલી, ઇન્દિરા અને રાજીવ ગાંધી પાસેથી શીખેલા મૂલ્યો તેમજ ઇમરજન્સીના કાળા અધ્યાય અંગે પણ પોતાના વિચારો ખુલ્લા મનથી રજૂ કર્યા હતા.




