
રાજ્યમાં ૩,૭૮૫ અકસ્માત દિવાળીના ત્રણ દિવસમાં ૧૦૮ એમ્બ્યુલન્સને ૧૮,૫૧૩ કોલ્સ મળ્યાં બિન-વાહન સંબંધિત ઈજાઓમાં પણ દિવાળીએ ૭૫.૨૯% અને બેસતા વર્ષે ૫૭.૬૫% (૯૩૮ કેસ)નો વધારો થયો છે ગુજરાતમાં દિવાળી, બેસતા વર્ષ અને ભાઈબીજના તહેવારો દરમિયાન ૧૦૮ ઈમરજન્સી સેવાઓને સામાન્ય દિવસોની સરખામણીએ ૧૩.૦૭ ટકાથી ૨૫.૬૭ ટકા સુધી વધુ ઈમરજન્સી કોલ્સ મળ્યા છે. ૮ નવેમ્બર દિવાળી, ૧૦ નવેમ્બર બેસતું વર્ષ અને ૧૧ નવેમ્બર ભાઈબીજ એમ ત્રણ દિવસમાં અમદાવાદ સહિત રાજ્યભરમાં કુલ ૧૮,૫૧૩ ઈમરજન્સી કેસો નોંધાયા છે, જે સામાન્ય દિવસોના દૈનિક સરેરાશ ૫,૨૪૮ કેસ કરતા ઘણા વધારે છે. તહેવારોમાં મુસાફરી વધવાને કારણે માર્ગ અકસ્માત અને મારામારીના બનાવોમાં સૌથી વધુ ઉછાળો જાેવા મળ્યો છે.સામાન્ય દિવસોમાં રાજ્યમાં સરેરાશ ૬૪૬ માર્ગ અકસ્માત નોંધાય છે. તેની સામે દિવાળીના દિવસે ૧,૨૧૨ (૮૭.૬૨% વધારો), બેસતા વર્ષે ૧,૫૪૧ (૧૩૮.૫૪% વધારો) અને ભાઈબીજે ૧,૦૩૨ (૫૯.૭૫% વધારો) અકસ્માતના કેસ સામે આવ્યા છે.બિન-વાહન સંબંધિત ઈજાઓમાં પણ દિવાળીએ ૭૫.૨૯% (૧,૦૪૩ કેસ) અને બેસતા વર્ષે ૫૭.૬૫% (૯૩૮ કેસ)નો વધારો થયો છે.તહેવારોમાં લોકોની અવરજવર વધતા મહાનગરોમાં ઈમરજન્સી કોલ્સ વધ્યા હતા. દિવાળીના દિવસે સુરતમાં ૧૦.૯૧% અને રાજકોટમાં ૬.૭૬% કોલ્સ વધ્યા હતા. બેસતા વર્ષે વડોદરામાં ૨૫.૬૭%, રાજકોટમાં ૨૧.૭૧% અને અમદાવાદમાં ૧૩.૫૨%નો ઉછાળો નોંધાયો હતો. જ્યારે ભાઈબીજના દિવસે રાજકોટમાં ૧૪.૫૯%, વડોદરામાં ૯.૫૮% અને અમદાવાદમાં ૭.૮૯% વધુ કોલ્સ નોંધાયા હતા. ૧૦૮ની ટીમ દ્વારા અગાઉથી કરાયેલા આયોજન અને ફિલ્ડ કોઓર્ડિનેશનના કારણે તમામ ઈમરજન્સી સેવાઓ અવિરત ચાલુ રહી હતી.




