
3વીડિયો શૂટિંગ દરમિયાન જીવલેણ હુમલો ટિકટોક વીડિયો માટે સિંહણને પાંજરામાંથી બહાર કાઢવી પડી ભારે લાહોરના ફાર્મહાઉસમાં શૂટિંગ દરમિયાન સિંહણ બેકાબૂ બની; ટિકટોકર સહિત ત્રણની ધરપકડ, ૩૩ સિંહો જપ્ત
સોશિયલ મીડિયા પર લાઈક્સ અને વ્યૂઝ મેળવવાની દોડ કેટલી જાેખમી બની શકે છે તેનો હૃદયદ્રાવક કિસ્સો પાકિસ્તાનના લાહોરમાંથી સામે આવ્યો છે. કાહના વિસ્તારમાં ટિકટોક વીડિયો શૂટિંગ દરમિયાન પાંજરામાંથી બહાર કાઢવામાં આવેલી સિંહણે ૧૯ વર્ષીય યુવક પર હુમલો કરી દીધો હતો. ગંભીર રીતે ઘાયલ યુવકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.
મળતી માહિતી મુજબ, ટિકટોકર નૌમાન હસન વીડિયો શૂટ કરવા માટે એક ફાર્મહાઉસ પર પહોંચ્યો હતો.
શૂટિંગ માટે સિંહણને પાંજરામાંથી બહાર કાઢવામાં આવી હતી. તે સમયે ફાર્મહાઉસમાં કામ કરતો ૧૯ વર્ષીય તલ્હા પણ ત્યાં હાજર હતો. અચાનક સિંહણ બેકાબૂ બની અને તલ્હા પર હુમલો કરી દીધો.
હુમલા સમયે તલ્હાના પિતા અને ભાઈ હાશિમ પણ ફાર્મહાઉસમાં હાજર હતા. તેમની નજર સામે સિંહણે તલ્હા પર હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા તલ્હાને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
ઘટના બાદ મામલો દબાવવાનો પ્રયાસ થયો હોવાનો પણ આરોપ છે. શરૂઆતમાં યુવકનું મોત કૂતરાના કરડવાથી થયું હોવાનું કહેવામાં આવ્યું હતું. જાેકે, પોલીસ તપાસ દરમિયાન શરીર પરના ઈજાના નિશાનની તપાસ કરવામાં આવતા સિંહણના હુમલાની હકીકત સામે આવી હતી.
કાહના પોલીસે મૃતકના પિતાની ફરિયાદના આધારે વન્યજીવન કાયદા હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસે ફાર્મહાઉસના માલિક ફૈયાઝ ઉર્ફે ફૈઝી, ટિકટોકર નૌમાન હસન સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.
તપાસ દરમિયાન ફાર્મહાઉસનું બ્રીડિંગ લાયસન્સ વર્ષ ૨૦૨૫માં જ સમાપ્ત થઈ ગયું હોવાનું સામે આવ્યું છે. તેમ છતાં ત્યાં મોટી સંખ્યામાં સિંહો રાખવામાં આવી રહ્યા હતા. પોલીસે ફાર્મહાઉસમાંથી કુલ ૩૩ સિંહો જપ્ત કરીને તેમને વન્યજીવન વિભાગને સોંપ્યા છે.
નૌમાન હસન અગાઉ પણ જંગલી પ્રાણીઓ સાથે જાેખમી વીડિયો બનાવવાને લઈને વિવાદમાં રહ્યો હોવાનું સામે આવ્યું છે. ૨૦૨૪માં જાહેર સ્થળે વાઘને લઈ જવા બદલ પણ તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
આ ઘટનાએ સોશિયલ મીડિયા કન્ટેન્ટ માટે જંગલી પ્રાણીઓ સાથે કરવામાં આવતા જાેખમી સ્ટંટ અને ગેરકાયદેસર રીતે વન્યજીવો રાખવા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. માત્ર વ્યૂઝ અને લાઈક્સ માટે લેવામાં આવતું જાેખમ આખરે એક પરિવાર માટે કાયમી દુ:ખનું કારણ બન્યું છે.




