
સુંદરતાના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં દિલ્હીમાં લાયસન્સ વગર ચાલતી બે નકલી કોસ્મેટિક ફેક્ટરી ઝડપાઈ ડ્રગ કંટ્રોલ વિભાગના દરોડામાં નકલી સ્કિનકેર પ્રોડક્ટ્સ અને કાચો માલ જપ્ત કર્યા : તંત્રએ વધુ તપાસ હાથ ધરી. શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે જે ફેસ ક્રીમ કે સ્કિનકેર પ્રોડક્ટ ચહેરા પર લગાવી રહ્યા છો, તે ક્યાં અને કેવી રીતે બને છે? જાે એ પ્રોડક્ટ લાયસન્સ વગર બની રહી હોય, તો તમારો સુંદર ચહેરો ચમકવાને બદલે મુશ્કેલીમાં મુકાઈ શકે છે! આજે દિલ્હીમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જ્યાં સુંદરતા વધારવાના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે મોટો ખેલ રમાઈ રહ્યો હતો. દિલ્હીમાં નકલી અને ગેરકાયદેસર કોસ્મેટિક પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતા લોકો સામે ડ્રગ કંટ્રોલ (ઔષધ નિયંત્રણ) વિભાગે મોટી લાલ આંખ કરી છે. વિભાગની સક્રિય ટીમોએ દિલ્હીના પૂથ ખુર્દ વિસ્તારમાં અચાનક દરોડા પાડીને બે મોટી ગેરકાયદેસર ફેક્ટરીઓનો પર્દાફાશ કર્યાે છે. આ કાર્યવાહીથી નકલી કોસ્મેટિક્સનું ઉત્પાદન કરતા વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.તપાસ દરમિયાન સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી કે આ બંને ફેક્ટરીઓ કોઈપણ પ્રકારના વૈધ ઉત્પાદન લાયસન્સ કે સરકારી પરવાનગી વગર ચાલી રહી હતી. મોટા પાયે સ્કિનકેર અને પર્સનલ કેર પ્રોડક્ટ્સ તૈયાર કરવામાં આવતી હતી. આ પ્રોડક્ટ્સ બજારમાં જાણીતી બ્રાન્ડ્સના નામે કે નકલી પેકિંગ કરીને ગ્રાહકો સુધી પહોંચાડવાની પેરવીમાં હતી.કોઈપણ જાતના ગુણવત્તાના માપદંડો, લેબોરેટરી ટેસ્ટિંગ કે સેફ્ટી ગાઈડલાઈન્સ વગર તૈયાર થતી આવી પ્રોડક્ટ્સ સામાન્ય લોકોની ત્વચા અને સ્વાસ્થ્ય માટે અત્યંત જાેખમી સાબિત થઈ શકે છે. આવી નકલી ક્રીમ કે લોશન વાપરવાથી ત્વચા પર એલર્જી, ચામડીના ગંભીર રોગો કે કાયમી નુકસાન થવાનું જાેખમ રહેલું છે.તંત્ર દ્વારા કડક કાર્યવાહી ડ્રગ કંટ્રોલ વિભાગ દ્વારા હાલ આ બંને ગેરકાયદેસર એકમોને સીલ કરી દેવામાં આવ્યા છે અને ત્યાંથી મોટા પ્રમાણમાં મળી આવેલો નકલી માલસામાન તથા રો-મટીરિયલ જપ્ત કરવામાં આવ્યું છે. વિભાગ દ્વારા આ રેકેટની પાછળ સંકળાયેલા મુખ્ય સૂત્રધારા અને માલિકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારાઓ સામે આગામી દિવસોમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે.




