
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
ભારતમાં તબીબી ક્ષેત્રનું આ માફિયાકરણ એટલી હદે વકરી ગયું છે કે અમુક ભ્રષ્ટ ડોક્ટરો, હોસ્પિટલો અને મલ્ટિનેશનલ કંપનીઓની કમિશનબાજી વચ્ચે દર્દી માત્ર એક બકરો બનીને રહી ગયો છે. જ્યારે એક ગરીબ કે મધ્યમવર્ગીય પરિવાર પોતાના સ્વજનની સારવાર માટે ઘરબાર વેચી દે છે, દાગીના ગીરવે મૂકી દે છે અને દેવાના ડુંગર નીચે દબાઈ જાય છે, ત્યારે તેને એમ હોય છે કે તે પોતાના સ્વજનને શ્રેષ્ઠ ઉપચાર આપી રહ્યો છે. પરંતુ તેને કલ્પના પણ નથી હોતી કે જે હૃદયનું સ્ટેન્ટ બેસાડવામાં આવ્યું છે તે થોડા મહિનામાં જ બ્લોક થઈ જશે
અથવા જે ઘૂંટણનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે તેનો સાંધો નકલી કે ખામીયુક્ત નીકળશે અને આખી જિંદગી દર્દી પથારીવશ થઈ જશે. આ સ્થિતિ હવે અસહ્ય બની ચૂકી છે અને તેને તાત્કાલિક અસરથી ડામી દેવાની જરૂર છે.સરકારે અને ન્યાયતંત્રએ હવે આંખ આડા કાન કરવાનું બંધ કરવું પડશે.
ઈન્ડિયન ફાર્માકોપિયા કમિશન અને સીડીએસસીઓ જેવી નિયમનકારી સંસ્થાઓને આદેશ આપવો જોઈએ કે તેઓ ભારતમાં પણ અમેરિકાની જેમ પ્રત્યેક ખામીયુક્ત મેડિકલ ડિવાઈસનું નામ, તેનું મોડેલ અને તેના ઉત્પાદકનું નામ તાત્કાલિક અસરથી સાર્વજનિક પોર્ટલ પર જાહેર કરે.
જે કંપનીઓના ઉપકરણો દર્દીઓના મોત કે કાયમી ખોડખાંપણ માટે જવાબદાર સાબિત થાય, તેમના લાયસન્સ રદ કરીને તેમના સંચાલકો સામે ગુનાહિત માનવવધના કાયદા હેઠળ કેસ ચલાવવામાં આવે.
જ્યાં સુધી આ નિર્દય નફાખોરો જેલના સળિયા પાછળ નહીં જાય અને જ્યાં સુધી આ ભ્રષ્ટ સરકારી બાબુઓની જવાબદારી નક્કી નહીં થાય, ત્યાં સુધી ભારતીય આરોગ્ય વ્યવસ્થા સામાન્ય નાગરિકો માટે જીવલેણ છટકું જ બની રહેશે. સ્વાસ્થ્ય એ કોઈ વેપાર નથી પરંતુ મૂળભૂત અધિકાર છે, અને કંપનીઓની નફાખોરી માટે સામાન્ય માણસના લોહીનું બલિદાન હવે કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાશે નહિ. દેશની પ્રજા શાંત બેસી શકે નહિ.




