
ગોધરા કાંડના દોષિતને સુપ્રીમ કોર્ટની રાહત ૧૮ વર્ષથી જેલમાં બંધ ઈરફાન પાડાને જામીન, ગુજરાત સરકારે પણ ન કર્યો વિરોધ હૃદયરોગથી પીડાતા દોષિતની આજીવન કેદની સજા સુપ્રીમ કોર્ટે કરી સસ્પેન્ડ : ગંભીર બીમારીને પગલે સજા સ્થગિત ગોધરા ટ્રેન સળગાવવાના ચકચારી કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા દોષિત ઈરફાન સિરાજ પાડાને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. ૨૩ નવેમ્બરે સુપ્રીમ કોર્ટની ખંડપીઠે તબીબી કારણોસર તેની આજીવન કેદની સજા સસ્પેન્ડ કરીને જામીન મંજૂર કર્યા છે. દોષિત ગંભીર હૃદયરોગથી પીડિત હોવાની અને લાંબા સમયથી જેલમાં બંધ હોવાની રજૂઆતને ધ્યાનમાં રાખીને આ ર્નિણય લેવામાં આવ્યો છે.
જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને જસ્ટિસ પી.બી. વરાલેની ખંડપીઠ સમક્ષ દોષિત તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે ઈરફાન ગંભીર હૃદયરોગથી પીડિત છે અને છેલ્લા ૧૭થી ૧૮ વર્ષથી જેલમાં સજા ભોગવી રહ્યો છે. બીજી તરફ, ગુજરાત સરકાર તરફથી હાજર રહેલાં વકીલ સ્વાતિ ઘિલ્ડિયાલે દોષિતની તબીબી સ્થિતિ અંગેની હકીકતો સ્વીકારી હતી. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે જાે તબીબી કારણોસર રાહત આપવામાં આવે તો રાજ્ય સરકારને કોઈ વાંધો નથી. જાેકે, આ રાહત માત્ર તબીબી કારણો પૂરતી મર્યાદિત રાખવા પણ વિનંતી કરવામાં આવી હતી.
કોર્ટે બંને પક્ષોની રજૂઆતો અને દોષિતની તબીબી સ્થિતિને ધ્યાનમાં રાખીને તેની સજા સ્થગિત કરવાનો અને જામીન આપવાનો આદેશ કર્યો હતો. નોંધનીય છે કે વર્ષ ૨૦૨૫માં પણ ઈરફાનને વહેલી મુક્તિ માટેની અરજી પર રાજ્ય સરકાર વિચારણા કરે તે હેતુથી વચગાળાના પેરોલ આપવામાં આવ્યા હતા. હવે સુપ્રીમ કોર્ટે તબીબી આધાર પર તેની સજા સસ્પેન્ડ કરીને વધુ રાહત આપી છે. ૨૭ ફેબ્રુઆરી, ૨૦૦૨ના રોજ અયોધ્યાથી પરત ફરી રહેલી સાબરમતી એક્સપ્રેસના જી-૬ કોચમાં ગોધરા રેલવે સ્ટેશન નજીક આગ લાગતાં ૫૮ કારસેવકોનાં મોત થયાં હતાં. આ ઘટના બાદ ગુજરાતમાં મોટા પાયે કોમી રમખાણો ફાટી નીકળ્યાં હતાં.
આ કેસમાં માર્ચ ૨૦૧૧માં ટ્રાયલ કોર્ટે કુલ ૩૧ આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. જેમાં ૧૧ આરોપીઓને ફાંસી અને ૨૦ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જ્યારે ૬૩ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ વર્ષ ૨૦૧૭માં ગુજરાત હાઈકોર્ટે ૧૧ દોષિતોની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી હતી. આ કેસમાં દોષિતોની અપીલ વર્ષ ૨૦૧૮થી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. ગોધરા ટ્રેનકાંડના અન્ય કેટલાક દોષિતોને પણ સુપ્રીમ કોર્ટ દ્વારા અગાઉ અલગ-અલગ કારણોસર જામીન આપવામાં આવ્યા હતા. મે ૨૦૨૨, ડિસેમ્બર ૨૦૨૨ અને એપ્રિલ ૨૦૨૩માં કોર્ટે અન્ય દોષિતોને રાહત આપી હતી. હવે ઈરફાન સિરાજ પાડાને તબીબી કારણોસર મળેલી રાહત ફરી એકવાર ગોધરા ટ્રેનકાંડના કેસને ચર્ચામાં લાવી છે.




